ઈરાને યુધ્ધ સમાપ્ત કરવા ત્રણ શરતો રાખી

ઈરાને યુધ્ધ સમાપ્ત કરવા ત્રણ શરતો રાખી

(એજન્સી)        તહેરાન તા.૧૨:
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. તેલ અને ગેસના ભાવ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં ફુગાવાનો ભય વધી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ અને પ્રતિબંધોને કારણે તેલ ટેન્કરોની અવરજવર ખોરવાઈ ગઈ છે, જેના કારણે ઉર્જા પુરવઠા પર દબાણ વધી રહ્યું છે. દરમિયાન, ઈરાને પહેલીવાર ખુલ્લેઆમ જણાવ્યું છે કે તે કઈ પરિસ્થિતિઓ હેઠળ અમેરિકા અને ઈઝરાયલ સાથે યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છે.ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને જણાવ્યું છે કે તેહરાન શાંતિ માટે પ્રતિબદ્ધ છે. તેમણે યુદ્ધ સમાપ્ત કરવા માટે ત્રણ શરતો પણ રાખી છે. તેમણે કહ્યું કે આ સંઘર્ષ યહૂદી શાસન અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને જો ઈરાનના અધિકારોને માન્યતા આપવામાં આવે તો જ તેનો અંત આવી શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં, પેઝેશ્કિઆને કહ્યું કે તેમણે રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથે વાત કરી છે અને પ્રદેશમાં શાંતિ માટે ઈરાનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ લડાઈનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો ઈરાનના કાનૂની અધિકારો, વળતર અને ભવિષ્યના હુમલાઓને રોકવા માટે સાબિત આંતરરાષ્ટ્રીય ગેરંટીઓને માન્યતા આપવી જોઈએ.