દેવગઢમાં જુનાગઢ રેન્જ પોલીસનો દરોડો: રહેણાક મકાનમાંથી રૂ. 4.10 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

દેવગઢમાં જુનાગઢ રેન્જ પોલીસનો દરોડો: રહેણાક મકાનમાંથી રૂ. 4.10 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ, તા. 3
જુનાગઢ રેન્જ પોલીસ દ્વારા મેંદરડા તાલુકાના દેવગઢ ગામમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે રહેણાક મકાન પર દરોડો પાડતાં ઇંગ્લિશ દારૂનો જથ્થો, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 4,10,640નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ રેન્જમાં દેશી-વિદેશી દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ મેંદરડા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે એ.એસ.આઈ. ગજેન્દ્રસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ ભુપતસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ ટીમે દેવગઢ ગામે પંચાયતના પાણીના ટાંકા નજીક આવેલા મહેશભાઈ જગુભાઈ બસીયાના રહેણાક મકાનમાં તપાસ હાથ ધરી હતી. મકાનના ફળિયામાં ઉભેલી સફેદ રંગની સ્કોડા કાર (રજિસ્ટ્રેશન નંબર GJ-05-RZ-7517)ની ડેકી તપાસતા તેમાં પૂંઠાની પેટીઓ અને પ્લાસ્ટિકના કોથળાઓમાં સંતાડીને રાખવામાં આવેલી Royal Challenge Finest Premium Whiskyની 180 એમએલ ક્ષમતાની કુલ 1,056 બોટલો મળી આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેવગઢના મહેશભાઈ જગુભાઈ બસીયા (ઉંમર 45 વર્ષ) અને સમઢીયાળા ગામના વિશાલભાઈ ભીખુભાઈ વાળા (ઉંમર 24 વર્ષ)ની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસમાં સંડોવાયેલા રાકેશ ઉર્ફે કાળું હિંમતલાલ શેખલીયા હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ.2,00,640 કિંમતનો ઇંગ્લિશ દારૂ, રૂ. 2,00,000 કિંમતની સ્કોડા કાર તેમજ રૂ.10,000 કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 4,10,640નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર મામલે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ગેરકાયદેસર દારૂના સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં છે.
જુનાગઢ રેન્જ પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રેન્જ વિસ્તારમાં દારૂ, જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી યથાવત રહેશે અને કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.