માલણકાનાં શખ્સને પિસ્તોલ આપનાર મેંદરડાનાં યુવકની ધરપકડ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૧૧
માલણકા ગામનાં શખ્સને પિસ્તોલ આપનાર મેંદરડાનાં યુવાનની એસઓજીએ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર સવા વર્ષ પહેલાં માલણકાના શખ્સને પિસ્ટલ આપનાર મેંદરડાના યુવકની જૂનાગઢ એસઓજીએ રાજકોટમાં ગોંડલ રોડ પરથી ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી.
જૂનાગઢ એસઓજીની ટીમે ગત તા. ૨૩-૦૪-૨૦૨૪ના રોજ સાંજે મેંદરડા તાલુકાના માલણકાના ૩૫ વર્ષીય શિવરાજ રાવત ભાઈ કરપડાને માલણકા ગામની સીમમાં નારાયણ ઉપવન વાડી તરફ જવાના રસ્તેથી રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતની પરવાના વગરની દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. પૂછપરછમાં હથિયાર મેંદરડાનો વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઈ કળથીયાએ આપ્યુ હોવાનું જણાવ્યું હતું. જેથી એસઓજીએ પિસ્ટલ કબજે લઈ શિવરાજ અને વિજય ઉર્ફે ભીખો વિરુધ્ધ આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમ્યાન સવા વર્ષથી નાસતો ફરતો મેંદરડામાં વડલી ચોક પાણીના ટાંકા પાસે રહેતો વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઈ ઉર્ફે કાનજીભાઈ કળથીયા રાજકોટમાં ગોંડલ રોડ ખાતે હોવાની બાતમી મળતા એસઓજીના પીઆઈ જે. જે. પટેલ, આર. બી. ગઢવીની ટીમે ગઈકાલે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.


