શંખ, છીપલા, કાચબાની ઢાલ, સોના, ચાંદી, લોખંડ વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
આયુર્વેદિક ઔષધ બનાવવાનું અજોડ વિજ્ઞાન ભારતનો પ્રાચીન તબીબી વિજ્ઞાન વારસો ,આયુર્વેદ મુજબ એવી કોઈ વસ્તુ નથી કે જેમાંથી ઔષધી દવા ન બની શકે : ડો. રાહુલ શિંગાડીયા
જૂનાગઢ તા.૨૭
આયુર્વેદિક ભસ્મ વિશે સમાજમાં ઘણા ભેદભરમ ફેલાયેલા છે, હકીકતમાં આયુર્વેદિક ભસ્મ રોગોના ઉપચાર માટે ઔષધ બનાવવાનું અજોડ વિજ્ઞાન છે. આજે આધુનિક વિજ્ઞાન નેનો ટેકનોલોજીની વાત કરે છે, ત્યારે ભારતનું પ્રાચીન આયુર્વેદ શાસ્ત્ર હજારો વર્ષોથી ભસ્મ દ્વારા અતિ સૂક્ષ્મ કણોથી અસાધ્ય રોગોના ઉપચારની ક્ષમતા ધરાવે છે. પણ આરોગ્ય માટે ઉપકારક આ આયુર્વેદિક ભસ્મ યોગ્ય પરેજીઓ અને વૈદ્યની સલાહ મુજબ લેવી અનિવાર્ય શરત છે.
ભસ્મ બનાવવાની પ્રક્રિયા ભારતના ઋષિ મુનિઓના ઊંડા વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રતીતિ કરાવે છે. શંખ, છીપલા, કાચબા- કરચલાની ઢાલ, સોના, ચાંદી, લોખંડ વગેરેમાંથી આયુર્વેદિક ભસ્મ બનાવવામાં આવે છે. ધાતુ અને અને ખનીજોને વારંવાર ગરમ કરવામાં આવે છે. જુદી જુદી પદ્ધતિથી તેની અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. વનસ્પતિના રસ સાથે મિશ્ર કરી અગ્નિમાં પકવવામાં આવે છે. આમ, જરૂરી પ્રક્રિયાના અંતે ભસ્મ તૈયાર થતી હોય છે. આ સંદર્ભમાં જૂનાગઢ આયુર્વેદ કોલેજના રસશાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના વિભાગના ડો. રાહુલ શિંગાડીયા જણાવે છે કે, આયુર્વેદ મુજબ એવી કોઈ વસ્તુ નથી જેમાંથી ઔષધી દવા ન બની શકે. આયુર્વેદ એમ પણ માને છે કે, સૃષ્ટિની દરેક વસ્તુઓમાં ઔષધીય ગુણો છે.
તેઓ આયુર્વેદિક ભસ્મ વિશેની ભ્રાંતિઓ દૂર કરતા જણાવે કહે છે કે, ભસ્મને પૂરતી માત્રા, કાળજી, પરેજીઓ અને વૈદ્યની સલાહ મુજબ લેવામાં ન આવે તો શરીરમાં વિષ સમાન કાર્ય કરી શકે છે. એટલે ભસ્મને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પરથી મળતી માહિતીથી પ્રભાવિત થઈ લોકોએ જાતે ઉપયોગ ન કરવો જોઈએ. સાથે જ ભસ્મ બનાવવાની જે શાસ્ત્રીય પ્રક્રિયા છે તે અનુસાર જ ભસ્મ બનેલી હોવી જોઈએ. અન્યથા સ્વાસ્થ્ય લાભના બદલે વિપરીત અસર થઈ શકે છે.
તેમણે કહ્યું કે આયુર્વેદમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ભસ્મો બનાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ધાતુ અને ખનીજોની ભસ્મ મહત્વની છે. આ ભસ્મ બનાવવામાં ખૂબ જ વાર લાગે છે અને યોગ્ય પદ્ધતિથી બનાવવી પણ એટલી જરૂરી છે. ત્યારે તે સ્વાસ્થ્ય માટે અસરકારક બનતી હોય છે.
બાળકોને આપવામાં આવતા સુવર્ણ પ્રાશન બનાવવામાં પણ સુવર્ણ ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે, આ સુવર્ણપ્રાશન બાળકોની રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે સાથે જ આયુર્વેદ મુજબ બાળકોને શ્રુતઘર બનાવે છે, એટલે કે બાળકો જે એક વખત સાંભળે અને તેને ગ્રહણ કરી કાયમ માટે યાદ રાખી લે છે, એવી જ રીતે લોખંડમાંથી બનેલી લોહ ભસ્મ એનીમિયા, કમળા જેવા રોગોમાં અત્યંત અસરકારક છે,
શંખ અને છીપલામાંથી બનેલી ભસ્મ કેલ્શિયમના સપ્લીમેન્ટ તરીકે કામ કરે છે અન્ય રોગોમાં પણ ઉપયોગી છે, ટીન ભસ્મનો ડાયાબિટીસ જેવા રોગોમાં ઉપયોગ થાય છે.
તેઓ કહે છે કે, ઘણી વખત આ આયુર્વેદિક ભસ્મ ખોટી રીતે લેવાથી લોકો બિમાર પડે છે, જેથી આયુર્વેદની બદનામી પણ થાય છે. એટલે હંમેશા અધિકૃત આયુર્વેદિક ડોક્ટર- વૈદ્યની સલાહ મુજબ યોગ્ય પદ્ધતિથી લેવાયેલી દવા જ ઝડપથી સ્વસ્થ્ય પ્રદાન કરે છે.


