બાઈકર્સ કોમ્યુનિટી દ્વારા "વ્યસન છોડો, પ્રકૃતિ અપનાવો" સંદેશ સાથે જૂનાગઢથી કિલેશ્વર સુધી મોટરસાયકલ રાઈડ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧પ
આજ તા.૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જૂનાગઢ બાઈકર્સ કોમ્યુનિટી દ્વારા જસરાજ મેવચા, હાદિર્ક કારિયા તથા જીતેન્દ્ર પરમારની આગેવાની હેઠળ એક વિશેષ મોટરસાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. "વ્યસન છોડો, પ્રકૃતિ અપનાવો"ના સંદેશ સાથે યોજાનારી આ રાઈડ જૂનાગઢથી શરૂ થઈને કિલેશ્વર, તાલુકો ભાણવડ સુધી પહોંચશે. આ મોટરસાયકલ રાઈડનો પ્રારંભ વહેલી સવારે ૬ કલાકે જૂનાગઢના સરદારબાગ ખાતેથી કરવામાં આવ્યો હતો. જ્યાં પ્રશાંત તોમર(IFS) દ્વારા લીલી ઝંડી આપી રાઈડને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ જનજાગૃતિ અભિયાનમાં જૂનાગઢના મોટી સંખ્યામાં બાઈક રાઇડર્સ જોડાયા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ આઝાદીના પર્વની ઉજવણી સાથે દેશના યુવાનોને વ્યસનથી દૂર રહેવા તથા પ્રકૃતિની નજીક રહી તેનું જતન કરવા અંગેનો સંદેશો આપવાનો છે. જૂનાગઢ બાઈકર્સ કોમ્યુનિટી દ્વારા સમાજમાં નશા મુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આ પ્રકારના અભિયાનો સમયાંતરે યોજવામાં આવે છે.


