જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મોહર્રમના તહેવાર સબબ સંકલન બેઠક યોજાઈ
જૂનાગઢ તા.18
આગામી દિવસોમાં જૂનાગઢ શહેર-જીલ્લામાં યોજાનારા મોહર્રમના તહેવાર સબબ જૂનાગઢ જીલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને મોહર્રમ અંગેની સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઈન્ચાર્જ જીલ્લા પોલીસ વડા રોહિત ડગર તેમજ જૂનાગઢ મનપા, પીજીવીસીએલ, પીડબલ્યુડી તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત હિન્દુ-મુસ્લીમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોહર્રમનો તહેવાર શાંતિ સુમેળથી ઉજવાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકના પ્રારંભે જૂનાગઢ જીલ્લાના નવનિયુક્ત કલેકટર યોગેશ ચૌધરી તેમજ ઈન્ચાર્જ એસપી રોહીત ડગરનું આગેવાનો બટુકભાઈ મકવાણા, વસીમબાપુ પીરજાદા, એસ.આઈ. બુખારીબાપુ, અસરફભાઈ થઈમ, હાજીભાઈ ઠેબા, વહાબભાઈ કુરેશી, જીસાન હાલેપોત્રા, અશ્વિનભાઈ મણીયાર, રેહાન બાબી, મહેબુબભાઈ પંજા, સોહીલ સીદ્દીકી, શફીભાઈ સોરઠીયા વગેરેએ ગુલ્દસ્તો અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આગેવાનોએ મોહર્રમના તહેવાર દરમ્યાન શહેરના માર્ગોની મરામત કરવા, વીજ પુરવઠાની સ્થિતિ સુચારૂરીતે જાળવી રાખવા તેમજ તાજીયા, સેજ અને અલમના ઝુલુસની પરમીટ નિયત સમય મર્યાદામાં મળી રહે તે માટે ભારપૂર્વક રજુઆત કરી હતી. કલેકટરશ્રીએ આગેવાનોની રજુઆતો સાંભળી હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો હતો અને ઝુલુસના દિવસ પહેલા જ જરૂરી પરમીટ મળી જાય તે માટે ઝડપથી કાર્યવાહી કરવા સંબંધીત અધિકારીઓને સુચના આપી હતી. તેમજ માર્ગોની મરામત, વીજ પુરવઠાની સ્થિતિ યોગ્ય રીતે જાળવી રાખવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તંત્રને સુચના આપી હતી. મોહર્રમનો તહેવાર પ્રતિવર્ષની પરંપરાની જેમ કોમી એકતા, શાંતિ, ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તેવી ઉપસ્થિત તમામ આગેવાનો તેમજ અધિકારીઓએ યોગ્ય સંકલન જાળવવા આ તકે ખાત્રી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેરમાં આગામી 23 જુન મંગળવારે અલમ શરીફનું ઝુલુશ નીકળશે જયારે 25 જુન ગુરૂવારે તાજીયા અને સેજ માતમમાં આવશે અને 26 જુન શુક્રવારે સાંજે તાજીયાનું પરંપરાગત ઝુલુશ નીકળશે.


