ભાણવડમાં પશુ સેવા સંસ્થાની લોકજાગૃતિ રંગ લાવી એક જ મહિનામાં ૧૧૨ વન્યજીવો ઉગાર્યા
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૩
ભાણવડ તાલુકામાં વન્યજીવ જાગૃતિ વધતાં લોકો સાપને મારવાને બદલે બચાવી રહ્યા છે. છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી વિનામૂલ્યે સેવા આપતા જાણીતા જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે ઓગસ્ટમેક એક જ મહિનામાં રેકોર્ડબ્રેક ૧૧૨ વન્યજીવોનું સફળ રેસ્ક્યૂ કર્યું છે. આ કામગીરીમાં સૌથી મોટું આકર્ષણ અત્યંત દુર્લભ ગણાતી ‘ઇન્ડિયન રોક પાઇથોન‘ પ્રજાતિના ૨૯ વિશાળકાય અજગરોનું રેસ્ક્યૂ રહ્યું છે. આ ઉપરાંત ૪૪ કોબ્રા, ૧ કાળોતરો, ૪ ખળચિતળ તેમજ ૧૯ ધામણ, ૪ રૂપસુંદરી સહિતના અન્ય સરિસૃપોને પણ ઉગારાયા છે. આ રેસ્ક્યૂ દરમિયાન મળી આવેલા તમામ ઈજાગ્રસ્ત સાપ અને અજગરને તાત્કાલિક યોગ્ય સારવાર આપી પૂર્ણપણે સ્વસ્થ કર્યા બાદ જ મુક્ત કરવામાં આવ્યા છે. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક વન વિભાગના સંયુક્ત સહયોગથી તમામ ૧૧૨ જીવોને સુરક્ષિત રીતે તેમના મૂળ પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા છે. માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવતી અશોકભાઈ અને એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમની આ સેવા સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ બની છે.


