નેપાળમાં ભયાનક તબાહી : ર૦૦ થી વધુનાં મોત

૧૦૦૦થી વધુ લાપત્તા : કૈલાસ માનસરોવર જઈ રહેલા ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તુટી ગયો

નેપાળમાં ભયાનક તબાહી : ર૦૦ થી વધુનાં મોત

(એજન્સી)    નવી દિલ્હી,તા.૨૭:
નેપાળના રાસુવા જિલ્લામાં ગઈકાલે બુધવારે સવારે આવેલા ભારે પૂરમાં ર૦૦ લોકોના મૃત્યુ નિપજયાનું સામે આવ્યું છે. આ ભયાનક પૂર બાદ તિબેટમાં કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે. તેમાંના મોટાભાગના ભારતીય છે અને ૯૩ નેપાળી છે. કાઠમંડુ પોસ્ટના અહેવાલ અનુસાર, કાઠમંડુ સ્થિત કૈલાશ ટ્રાવેલ્સ એન્ડ ટુર્સના મેનેજિગ ડિરેક્ટર બાસુ કુમાર અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે ૩૯૦ યાત્રાળુઓ સરહદ પાર કરવાના હતા. તેમણે ઉમેર્યું, અમે બપોરે ૩ વાગ્યા સુધી મોટાભાગના યાત્રાળુઓનો સંપર્ક કરી શક્યા નથી. આ યાત્રાળુઓ વિવિધ ટ્રાવેલ એજન્સીઓના ગ્રાહકો છે. સમ્રાટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ૭૧, લીફ હોલિડેઝના ૫૫, કાઠમંડુ હોલિડેઝના ૧૭, કૈલાશ જર્નીના ૩૧, એક્સપ્લોર વેકેશન્સના ૭, ટ્રેકર્સ સોસાયટીના ૯૨, રિચા ટુર્સના ૧૨, ફિશટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ૨૭, હિમાલયન ગ્લેશિયરના ૬૨ અને આલ્પાઇન ઇકો ટ્રેકના ૧૬ ગ્રાહકો પ્રભાવિત થયા હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેકિગ એજન્સીઝ એસોસિએશન ઓફ નેપાળના પ્રમુખ સાગર પાંડેએ જણાવ્યું હતું કે યાત્રાળુઓનો સંપર્ક કરવા અને તેમની સ્થિતિનું મૂલ્યાંકન કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
પૂરથી રસુવાગઢી વિસ્તારમાં વસાહતો અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પ્રભાવિત થઈ છે. નેપાળ-ચીન સરહદ પર રસ્તાઓ અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે, જેના કારણે તિબેટ જવાનો મુખ્ય માર્ગ અવરોધિત થયો છે. બુધવારે યાત્રાળુઓ તિબેટમાં સરહદ પાર કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક પૂર આવ્યું હતુ અને તબાહી સર્જાતા ર૦૦થી વધુનાં મોતની આશંકા સેવાઈ રહી છે.