ઈઝરાયલ-અમેરીકા સહિત અત્યાર સુધી ૧ર દેશો પર ઈરાને હુમલો કર્યો
(એજન્સી) તેહરાન તા.૬:
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ઇરાને અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલ સહિત ૧૨ દેશો પર હુમલો કર્યો છે. આ દેશોમાં UAE, કતાર, બહેરીન, જોર્ડન, ઇરાક, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, સાયપ્રસ, સીરિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે.
અમેરિકી સેનાએ જણાવ્યું કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના ૩૦થી વધુ જહાજો ડૂબાડી દેવામાં આવ્યા છે. જેમાં એક એવું જહાજ પણ સામેલ છે જેનો ઉપયોગ ડ્રોન લોન્ચ કરવા માટે થતો હતો.
અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે પણ કહ્યું છે કે તેમની સેના ઈરાન સામેની લડાઈને વધુ તેજ કરવા જઈ રહી છે. અમેરિકા પાસે હથિયારો અને દારૂગોળાની કોઈ કમી નથી. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાન સામે જમીની હુમલા નહીં કરે, કારણ કે તે સમયનો બગાડ હશે. ઈરાને ગત રાત્રે ઈઝરાયલ પર અનેક બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, આ મિસાઈલો ક્લસ્ટર બોમ્બથી સજ્જ હતી.


