નોબેલ આયુર્વેદિક કોલેજમાં 13 શંકાસ્પદ શિક્ષકોનો મામલો: સાનુકૂળ રિપોર્ટ માટે ₹10 લાખની લાંચની ઓફરનો આરોપ
જૂનાગઢના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડૉ. અભય નાલવડે સામે દિલ્હી CBIમાં FIR, તપાસ કમિટીના સભ્યને લાંચ આપવાનો પ્રયાસ થયાનો આક્ષેપ
જૂનાગઢ તા. 26
જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજ સાથે જોડાયેલો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કોલેજમાં કાગળ પર દર્શાવવામાં આવેલા 13 શંકાસ્પદ શિક્ષકોને યોગ્ય ઠેરવવા અને તેમની ચકાસણી અંગે સાનુકૂળ રિપોર્ટ મેળવવા માટે ₹10 લાખની લાંચ આપવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ છે. આ મામલે દિલ્હી CBI દ્વારા નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને પ્રોફેસર ડૉ. અભય નાલવડે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
CBI દ્વારા નોંધાયેલા કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનાહિત ષડયંત્ર અને સરકારી કર્મચારીને લાંચ આપવાની ઓફર અંગે કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ CBIના ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એટલે કે NCISMની નવી દિલ્હી સ્થિત હીયરિંગ કમિટીના સભ્ય અને લખનૌની આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રૂપાલી આર. મહાડીકને નોબેલ આયુર્વેદિક કોલેજના 13 ફેકલ્ટી સભ્યોની ચકાસણીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ 13 શિક્ષકો વાસ્તવમાં કોલેજમાં હાજર ન હોવા છતાં માત્ર દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યા હોવાની શંકા હતી.
આ તપાસ દરમિયાન પ્રોફેસર ડૉ. અભય નાલવડેએ ડૉ. રૂપાલી મહાડીકનો વોટ્સએપ કોલ મારફતે સંપર્ક કર્યો હોવાનો આરોપ છે. આ વાતચીતમાં શંકાસ્પદ શિક્ષકોના પક્ષમાં રિપોર્ટ આપવા માટે લાંચની ઓફર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ તા. 20 ઓગસ્ટના રોજ થયેલી વોટ્સએપ વાતચીતમાં કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી પણ જોડાયા હતા અને 13 શિક્ષકોના નામને ક્લિયર કરી સાનુકૂળ રિપોર્ટ આપવા બદલ ₹10 લાખ ચૂકવવાની ઓફર કરી હોવાનો આરોપ છે.
લાંચની ઓફર મળ્યા બાદ ડૉ. રૂપાલી મહાડીકે આ અંગે NCISMના પ્રમુખ ડૉ. મુકુલ પટેલને જાણ કરી હતી. ત્યારબાદ તેમને આરોપીઓ સાથે સંપર્કમાં રહીને વધુ પુરાવા અને વાતચીતના રેકોર્ડ એકત્રિત કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે. પુરાવા એકત્રિત કર્યા બાદ ડૉ. મહાડીકે દિલ્હી CBI સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી.
CBI દ્વારા કરવામાં આવેલી ખાનગી ચકાસણી દરમિયાન લાંચની ઓફર અંગેના પુરાવા મળ્યા બાદ આખરે FIR નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. CBIના SP આઈ. બી. પેન્ધારીના જણાવ્યા અનુસાર, ફોન કોલના પુરાવાના આધારે પ્રતીક મોરી અને ડૉ. અભય નાલવડે સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલો સામે આવ્યા બાદ નોબેલ યુનિવર્સિટી પ્રશાસનમાં પણ ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર પ્રકરણ અંગે યુનિવર્સિટીના વાઇસ ચેરમેન ગિરીશ કોટેચા અને એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેચાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વારંવાર સંપર્ક કરવા છતાં બંને હોદ્દેદારોએ ફોન રિસીવ ન કરતાં સમગ્ર મામલે તેમનું સત્તાવાર વલણ સામે આવ્યું નથી.
હાલ CBI દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે. 13 શંકાસ્પદ ફેકલ્ટી સભ્યોની નિમણૂક, તેમની હાજરી અને દસ્તાવેજોની ચકાસણી ઉપરાંત લાંચની ઓફર પાછળના સમગ્ર કથિત ષડયંત્ર અંગે તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
પ્રતિક મોરી (ટ્રસ્ટી, નોબલ આયુર્વેદીક કોલેજ)

ગિરીશ કોટેચા (વાઇસ ચેરમેન નોબલ યુનિવર્સિટી), પાર્થ કોટેચા (એસોસીએટ વાઇસ પ્રેસિડેન્ટ નોબલ યુનિવર્સિટી)


