કેશોદના ચાંદીગઢ પાટિયા પાસે હાઈવે ડિવાઇડર તોડનાર સામે કાર્યવાહી, પેટ્રોલ પંપ માલિક સામે ગુનો
માર્ગ સલામતીને લઈને કલેક્ટર યોગેશ ચૌધરીના કડક આદેશ, જિલ્લામાં 24×7 હાઈવે સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે ટાસ્ક ફોર્સ સક્રિય
જૂનાગઢ, તા.૧૮
જૂનાગઢ જિલ્લામાં માર્ગ સલામતીને વધુ અસરકારક બનાવવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ નેશનલ હાઈવે સહિતના માર્ગો પર સલામતી જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. ખાસ કરીને હાઈવેના ડિવાઇડરમાં ગેરકાયદેસર રીતે ફેરફાર કરનાર અને રસ્તાની આસપાસ દબાણ ઊભું કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું છે.
આ મુદ્દે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી માર્ગ સલામતી બેઠકમાં વિવિધ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. માર્ગો પર અકસ્માતનું જોખમ ઘટાડવા તેમજ વાહનચાલકોને સલામત માર્ગ વ્યવસ્થા મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
દરમિયાન કેશોદના ચાંદીગઢ પાટિયા નજીક નેશનલ હાઈવેના ડિવાઇડરને વ્યવસાયિક ઉપયોગ માટે તોડવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટીની ફરિયાદના આધારે કેશોદ પોલીસે ક્રીશવ પેટ્રોલ પંપના માલિક સામે જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ ડિવાઇડરમાં ફેરફાર કરીને આશરે રૂ.50 હજારની જાહેર મિલકતને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ સાથે પેટ્રોલ પંપનું લાયસન્સ રદ કરવાની દિશામાં પણ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વ્યવસાયિક હેતુસર હાઈવેની રચનામાં ગેરકાયદેસર ફેરફાર કરીને વાહનવ્યવહાર અને માર્ગ સલામતીને અસર પહોંચાડનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
માર્ગ સલામતી વધુ મજબૂત બનાવવા જિલ્લા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે. પોલીસ, આરટીઓ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓની ટીમ નેશનલ હાઈવે પર 24 કલાક દેખરેખ અને પેટ્રોલિંગ કરશે. હાઈવે ઉપરાંત જિલ્લાના અન્ય મુખ્ય માર્ગો પર પણ સલામતીની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવશે.
ટાસ્ક ફોર્સ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા, અકસ્માતપ્રવણ બ્લેક સ્પોટમાં સુધારણા, માર્ગની એન્જિનિયરિંગ ખામીઓ દૂર કરવા અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા જેવી કામગીરી કરવામાં આવશે. જિલ્લા તંત્રના આ નિર્ણયથી માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી વધુ કડક બનવાની શક્યતા છે.


