ચૂંટણી પંચમાં ફરી વિવાદ : મુખ્ય ચૂંટણી કમિશ્નર સાથે કામકાજ બાબતે મતભેદો સર્જાયા હોવાનો ઘટસ્ફોટ
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩:
ચૂંટણી પંચના અધિકારીઓના કામકાજને લગતા વિવાદ અંગે નવી માહિતી સામે આવી છે. ચૂંટણી કમિશનર સુખબીર સિહ સંધુ અને વિવેક જોશીએ વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ સામે કેબિનેટ સચિવાલયમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.નિવૃત્ત કોમોડોર લોકેશ કે. બત્રા દ્વારા મળેલા RTI જવાબમાં આ માહિતી બહાર આવી છે. આ મુજબ, બંને કમિશનરોએ ૨૯ જુલાઈ, ૨૦૨૬ ના રોજ કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને અલગ અલગ પત્રો લખ્યા હતા.આરોપ એવો હતો કે મનીષ ગર્ગે ચૂંટણી પંચ અથવા સંબંધિત અધિકારીઓની સલાહ લીધા વિના વરિષ્ઠ અધિકારીઓના કામકાજની ફાળવણીમાં ફેરફાર કરવાનો આદેશ જારી કર્યો હતો.જોકે, કેબિનેટ સચિવાલયે જણાવ્યું હતું કે ફરિયાદો સમગ્ર ચૂંટણી પંચ વતી નહીં, પરંતુ બંને કમિશનરો દ્વારા વ્યક્તિગત રીતે મોકલવામાં આવી હતી. તેથી, આવી કાર્યવાહીને કમિશન જેવી બંધારણીય સંસ્થાના કામકાજમાં દખલગીરી ગણી શકાય.
માહિતી અધિકાર (RTI) હેઠળ ભારતીય ચૂંટણી પંચ (ECI)ને લગતી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે, જેમાં અધિકારીઓની કામગીરી અને મતદાર યાદી માટે IT સિસ્ટમ અંગે વિવાદનો ખુલાસો થયો છે. ૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ, બે ચૂંટણી કમિશનરો, ડો. સુખબીર સિહ સંધુ અને ડો. વિવેક જોશીએ કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને અલગ અલગ પત્રો લખીને કમિશનના એક વરિષ્ઠ અધિકારીના વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમની સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.


