મેંદરડા ખાતે રૂ.૮૮૧.૫૩ લાખના ખર્ચે બનશે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન: શિક્ષણ મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજાના હસ્તે ખાતમુહૂર્ત
શોપિંગ કોમ્પ્લેક્સ, બેબી ફીડિંગ રૂમ અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા સાથે બનશે મોડર્ન ડેપો; મહિલા કંડક્ટર્સ માટે ખાસ રેસ્ટરૂમની સુવિધા
જૂનાગઢ, તા. ૨૩
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC - જૂનાગઢ વિભાગ) દ્વારા મેંદરડા મુકામે રૂ. ૮૮૧.૫૩ લાખના જંગી ખર્ચે નિર્માણ પામનાર નવીન અને આધુનિક એસ.ટી. બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ શુભકાર્ય સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ અને ઉચ્ચ-તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજાના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું.
મેંદરડા ખાતે બનનાર આ નવીન બસ સ્ટેશનથી સ્થાનિક નાગરિકો તેમજ આસપાસના વિશાળ ગ્રામ્ય વિસ્તારના હજારો મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને અદ્યતન બસ પરિવહન સેવાઓ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી સમગ્ર વિસ્તારના વાહનવ્યવહારના માળખાને નવું બળ મળશે.
મુસાફરોની સુવિધા વધારવા માટે આ બસ સ્ટેશન પરિસરમાં એક આધુનિક શોપિંગ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ કરવામાં આવશે, જેનાથી પ્રવાસીઓને ખરીદી માટે અનુકૂળતા રહેશે. આ ઉપરાંત, વિવિધ જરૂરિયાતોને ધ્યાને રાખીને પરિસરમાં ઉપાહારગૃહ, ૪ સ્ટોલ, માતાઓ માટે બેબી ફીડિંગ રૂમ અને દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ખાસ કરીને એસટી નિગમની મહિલા કંડક્ટરો અને ડ્રાઇવરોને અનુકૂળતા રહે તે માટે અલગ-અલગ સુસજ્જ રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, અગ્રણી વિપુલભાઈ કાવાણી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ચિરાગભાઈ રાજાણી તેમજ એસ.ટી. નિગમ જૂનાગઢના વિભાગીય નિયામક વી.બી. ડાંગર સહિતના વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


