વેરાવળ-હરિદ્વાર વચ્ચે અઠવાડિયામાં બે દિવસ નવી એસી એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી મળતા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓમાં આનંદ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૬
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડિયા વિભાગની યાદી જણાવે છે કે સોમનાથ મહાદેવની પાવન ભૂમિથી હરિદ્વારની પવિત્ર ગંગા સુધીની સનાતન આસ્થાની યાત્રા હવે વધુ સુગમ અને સુવિધાયુક્ત બનવા જઈ રહી છે. રેલ મંત્રાલય દ્વારા વેરાવળ-હરિદ્વાર વચ્ચે અઠવાડિયામાં બે દિવસ નવી એસી એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની મંજૂરી આપવામાં આવતા ગીર સોમનાથ, જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનથી શરૂ થતી યાત્રા હરિદ્વારની પાવન ગંગામાં સ્નાન સુધી પહોંચે તે માત્ર રેલસુવિધાનો વિસ્તાર નથી પરંતુ દેશના બે પવિત્ર તીર્થધામોને જોડતી આસ્થાની એક સુંદર કડી છે. આ નવી રેલસુવિધાથી ગુજરાત અને ઉત્તર ભારત વચ્ચે ધામિર્ક પ્રવાસનને નવી ગતિ મળશે તથા હજારો શ્રદ્ધાળુઓ માટે યાત્રા વધુ સરળ બનશે.
આ મહત્વપૂર્ણ રેલસુવિધા માટે જૂનાગઢ-ગીર સોમનાથ લોકસભાના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અથાક પ્રયત્નો અને સતત રજૂઆતોને વિશેષ શ્રેય આપવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના રેલવે વિકાસ અને જનસુવિધાના પ્રશ્નોને સતત વાચા આપવાના તેમના પ્રયાસોને આ મંજૂરીથી વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, જૂનાગઢ મહાનગર સંગઠનના તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે. જૂનાગઢની સનાતની ધામિર્ક જનતા વતી તેમણે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સોમનાથ મહાદેવની કૃપા અને મા ગંગાના પાવન આશીર્વાદને જોડતી આ નવી રેલસુવિધા સૌરાષ્ટ્રના ધામિર્ક પ્રવાસન માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેવી સૌ શ્રદ્ધાળુઓએ પ્રાર્થના કરી છે. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ‘હર હર ગંગે’ સુધીની આ યાત્રા હવે વધુ સુગમ બનશે એ સનાતન આસ્થા અને વિકાસના સુંદર સંગમ સમાન છે.


