પવિત્ર શ્રાવણ માસનાં આગમનની તૈયારી સોમનાથ મંદિરે સફાઈની કામગીરી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા) પ્રભાસ-પાટણ તા.૧૧
ભારત બાર જ્યોર્તિલીંગ પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોની નિત્ય પ્રતિવર્ષના ક્રમ મુજબ અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના પ૦૦ જેટલા ભક્તો, સ્વયંસેવકોએ પવિત્ર શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મંદિર તથા તેના હસ્તકના તમામ મંદિરોમાં વાળી, ઝૂડી, પતરાની પ્લેટથી ઘસી-ઘસી ફર્સને ઉજળી કરી નકામા ઝાડી ઝાંખરા, પાંદડાના કચરા ટ્રસ્ટની દેખરેખમાં આખોય દિવસ સાફ સફાઈ કરી સેવા બજાવી હતી. આજે સોમવાર ૧૦ ઓગસ્ટે સવારે બાપા સીતારામની શોભાયાત્રા આ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાઈ હતી. જયાં વાજતે ગાજતે મહાદેવને ધજા ચઢાવવામાં આવી હતી. બાપા સીતારામ સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો અને ભકતો ટ્રસ્ટના પ્રમુખ હરીષભાઈ સોનીની આગેવાની હેઠળ દર મહિને કોઈ એક શનિ-રવિવારે ગુજરાતના સુપ્રસિધ્ધ મંદિરોમાં આ રીતે ભક્તિ સેવા બજાવે છે.


