વેરાવળના વોર્ડ નં.૫ની સરકારી આંગણવાડીમાં બાળકોને જ્ઞાનવર્ધક રમકડાંનું વિતરણ કરાયું

વેરાવળના વોર્ડ નં.૫ની સરકારી આંગણવાડીમાં બાળકોને જ્ઞાનવર્ધક રમકડાંનું વિતરણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૩૧
વેરાવળના વોર્ડ નંબર ૫માં આવેલા સરકારી આંગણવાડી કેન્દ્ર નંબર ૧૧૭/૧/૧૪ (બંદર રોડ) ખાતે બાળકોને જ્ઞાનવર્ધક રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના માનસિક, બૌદ્ધિક અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ લક્કી કોલોની સ્થિત જય સોમનાથ આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયો હતો. વિતરણ કરાયેલા રમકડાંમાં પઝલ ગેમ્સ, અક્ષરજ્ઞાન આપતા બ્લોક્સ અને ચિત્રકામની બૂક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બાળકોને પૌષ્ટિક આહાર પણ પીરસવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ફુલગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સી.ડી.પી.ઓ. સવિતાબેન ગોહેલે સરકારની આંગણવાડી સુવિધા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્ય અતિથિ તરીકે પધારેલા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીએ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં અબ્દુલ કલામ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા મહાનુભાવો છે, તે જ રીતે આ ભૂલકાઓમાંથી પણ કોઈ ઉચ્ચ મુકામ સુધી પહોંચી શકે છે. આ માટે નાનપણથી જ પાયાના ઘડતરમાં પૌષ્ટિક આહાર અને જ્ઞાનનું અત્યંત મહત્વ છે, જેથી બાળકોને નાનપણથી જ આંગણવાડી ખાતે મોકલવા અનિવાર્ય છે. આ વિસ્તારના સમસ્ત મુસ્લિમ સમાજના પટેલ અફઝલભાઈ પંજાએ સંદેશ આપતા જણાવ્યું હતું કે, બાળકોને પાયાથી શિક્ષણ આપવામાં આવે તો તેઓ તેમના પરિવારને ઉચ્ચ મુકામ સુધી લઈ જવામાં સક્ષમ બને છે. તેમણે આંગણવાડીને જ્ઞાનવર્ધક રમકડાં અને ઉપયોગી ચીજવસ્તુઓ અર્પણ કરનાર મહમદભાઈ સોરઠીયા, મુકેશભાઈ ધોલેરા અને અનિશભાઈ રાચ્છનો આભાર વ્યક્ત કર્યો હતો. સામાજિક કાર્યકર અને પત્રકાર મહમદભાઈ સોરઠીયા દ્વારા બાળકોના વાલીઓને દીકરો-દીકરી એક સમાન ગણી, પાયાના ઘડતર માટે નાનપણથી જ બાળકોને આંગણવાડીમાં મોકલવા આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુકેશભાઈ ચોલેરા, અનિસભાઈ રાચ્છ અને મહમદભાઈ સોરઠીયાએ દાતા બની આંગણવાડીના સંચાલક બારોટ પ્રજ્ઞાબેન વિજયકુમાર અને સહાયકબેનને લાઉડસ્પીકર, રમકડાં, પઝલ્સ સહિતની વસ્તુઓ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી (અધ્યક્ષ), ગોહેલ સવિતાબેન, સુપરવાઇઝર રાઠોડ કુસુમબેન, મુકેશભાઈ ચોલેરા, સામાજિક કાર્યકર અનિસ રાચ્છ, મહમદભાઈ સોરઠીયા, હનીફભાઈ મલેક, ઇમરાનભાઈ મલેક, સલીમભાઈ પંજા સહિત સ્થાનિક શુભેચ્છકો, આંગણવાડીના બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન અનિસ રાચ્છ દ્વારા  કરવામાં આવ્યું હતું. જ્ઞાનવર્ધક રમકડાં હાથમાં આવતા બાળકોના ચહેરા અને આંખોમાં એક અનોખી ચમક જોવા મળી હતી જે આ સેવાકીય કાર્યની સાર્થકતા દર્શાવે છે.