ગીર સોમનાથ જીલ્લામાં જળસંકટના એંધાણ : છેલ્લા ૨૪ વર્ષમાં ત્રીજીવાર હિરણ-૨ ડેમ ખાલી થયો, ઉદ્યોગોમાં ૫૦% પાણી કાપ મુકાયો

૧૯૫૯માં બંધાયેલો કમલેશ્વર ડેમ અત્યાર સુધીમાં ૨૭ વાર ઓવરફ્લો થયો છે, જે આ વખતે સાલ છલકાયો નથી

ગીર સોમનાથ જીલ્લામાં જળસંકટના એંધાણ : છેલ્લા ૨૪ વર્ષમાં ત્રીજીવાર હિરણ-૨ ડેમ ખાલી થયો, ઉદ્યોગોમાં ૫૦% પાણી કાપ મુકાયો

ગીર સોમનાથ, તા.૯
વેરાવળ, પ્રભાસ પાટણ પંથકમાં ઓણ સાલ ધાર્યાે વરસાદ ન થતાં આગામી દિવસોમાં ગ્રામ્ય પંથકોમાં પાણીની અછત સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર માસનું પહેલા સપ્તાહ વિતી ગયું છે અને ચોમાસું અંત ભણી છે ત્યારે જાે પાછોતરો વરસાદ નહીં વરસે તો ખેતી, પશુપાલન ક્ષેત્રે ગંભીર સ્થિતિની ભીતિ સેવાઈ રહી છે.આજની સ્થિતિએ જાેતા હિરણ-૧માં ૨૮.૬૫ ટકા, હિરણ-૨ ડેમમાં ૨૦.૯૨ ટકા, સિંગોડા ડેમ ૩૬.૮૬ ટકા, મચ્છુન્દ્રીમાં ૪૭.૯૨ ટકા અને રાવલમાં ૯૬.૩૮ ટકા જળસંગ્રહ રહ્યો છે. જેમાં હિરણ-૨ ડેમનું પાણી સંભવત: ૩૧મી ડિસેમ્બર સુધી ચાલે તેમ છે. જે માટે તંત્રે ઉદ્યોગો માટે ૫૦ ટકા પાણી કાપની આગોતરી જાણ કરી છે. ઊના-ગીર ગઢડા પાસે આવેલા મચ્છુન્દ્રી અને રાવલ ડેમનું પાણી ૩૧મી જુલાઈ ૨૦૨૭ સુધી ચાલે તેમ છે. હિરણ-૧ ડેમ ૩૧મી ડિસેમ્બર ૨૦૨૬ સુધી સંભવત: ખેંચી શકે તેમ છે.૧૯૫૯માં બંધાયેલો કમલેશ્વર ડેમ અત્યાર સુધીમાં ૨૭ વાર ઓવરફ્લો થયો છે, જે ઓણ સાલ છલકાયો નથી. છેલ્લે ૨૦૧૨માં ડેમ છલકાયો ન હતો. એ જ રીતે હિરણ-૨ ડેમ ૨૦૦૨/૩ અને ૨૦૧૨/૧૩માં ઓવરફ્લો થયો ન હતો, હવે આ વર્ષે પણ એ જ સ્થિતિ છે. સાતમી સપ્ટેમ્બર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ જાેઈએ તો, ગીર-ગઢડામાં ૨૮૮ મિ.મી., તાલાલામાં ૩૭૪ મિ.મી., પાટણ-વેરાવળમાં ૬૧૭ મિ.મી., સુત્રાપાડામાં ૬૬૬ મિ.મી., કોડીનારમાં ૪૨૮ મિ.મી. અને ઊનામાં ૫૧૪ મિ.મી. પડ્યો છે. જે ગત વર્ષની સાપેક્ષ ઘણો ઓછો છે.