વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ જાેઈ જૂનાગઢની ચેસ કોચ વિશ્વા વાડોયા ભાવુક થયા
આભારના આંસુ: વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાેઈને યુવા ચેસ ટ્રેનરે કહ્યું, ‘આજે મેં મારા ભગવાનને જાેયા’ : વડાપ્રધાનને જીવન બદલવાનો શ્રેય આપ્યો : ખેલ મહાકુંભ થકી નોકરી મળ્યાનું જણાવ્યું
જૂનાગઢ, તા.૯
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ જાેવાની ક્ષણે જૂનાગઢના વિશ્વા હિતેશભાઈ વાડોયા ભાવુક થઈ ગયા હતા. વડાપ્રધાનને નજીકથી જાેઈ તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, “આજે મેં મારા ભગવાનને જાેયા.”
જૂનાગઢના નાના ગામમાંથી આવતાં ૨૩ વર્ષીય વિશ્વા વાડોયા હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સાથે ચેસ ટ્રેનર તરીકે જાેડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આટલી નજીકથી જાેવાની ક્ષણ યાદગાર બની રહી છે. વિશ્વાએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન સમાન માને છે અને તેમને રૂબરૂ જાેવાનો દિવસ તેમના જીવનનો ક્યારેય ન ભૂલાય તેવો દિવસ રહેશે.
વિશ્વાના પિતા હિતેશ વાડોયાએ તેમની કારકિર્દીમાં સતત સાથ આપ્યો છે. વિશ્વાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભે તેમની કારકિર્દીમાં મહત્વનો વળાંક લાવ્યો. આ પહેલના કારણે તેમને નોકરી મળી અને રમત ક્ષેત્રે આગળ વધવાની તક મળી.
વિશ્વાએ જણાવ્યું કે તેમના ગામમાં છોકરીઓને રમતગમતમાં ભાગ લેવાની મંજૂરી મળતી ન હતી. પરંતુ તેમના પિતાએ ખેલ મહાકુંભમાં તેમનું નામ નોંધાવ્યું, જે તેમની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થયું. ત્યારબાદ તેમણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય FIDE રેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને આજે (SAG) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ તરીકે પોતાની કારકિર્દી બનાવી છે. આ ઉપરાંત વિશ્વાએ જણાવ્યું કે, “ખેલ મહાકુંભના કારણે મને નોકરી મળી. આ પહેલથી ખાસ કરીને ગામડાની છોકરીઓને પોતાના ગામમાંથી બહાર આવીને રમતગમત અને જીવનમાં આગળ વધવાની તક મળી છે. મારા પરિવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ઉપકાર હંમેશા રહેશે.” વિશ્વાએ પોતાના જીવનમાં આવેલી આ તક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમને રૂબરૂ મળવાની આ ક્ષણ જીવનભર યાદગાર રહેશે.


