ગુજરાત વિધાનસભામાં આવશે બિલ : મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને રૂા.૨૦ લાખનો દંડ થશે
ગાંધીનગર તા. ૯
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૭૨ (૧૯૭૩માં પસાર થયેલ)ના ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બિલ‘માં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ સુધારા બિલને વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે. નવા સુધારા બિલ મુજબ, મંજૂરી (બોર્ડ રજિસ્ટ્રેશન) વિના ચાલતી સ્કૂલો તેમજ પૂર્વ મંજૂરી કે બોર્ડને જાણ કર્યા વગર જ બંધ કરી દેવાતી સ્કૂલો સામે દંડની રકમમાં મોટા પાયે વધારો કરવા સહિતની કડક જાેગવાઈઓ કરવામાં આવી છે. આ બિલ પસાર થઈને અમલમાં આવ્યા બાદ નવી તમામ જાેગવાઈઓ લાગુ થઈ જશે.
નવા સુધારા બિલમાં દંડની રકમમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડમાં નોંધણી કરાવ્યા વિના સ્કૂલ ચલાવનારા સંચાલકોને હવે રૂ. ૧૦થી ૧૫ લાખ સુધીનો દંડ અને ૧થી ૨ વર્ષની જેલની સજા થશે, જ્યારે અગાઉ માત્ર રૂ. ૧થી ૨ લાખ સુધીના દંડની જ જાેગવાઈ હતી અને જેલની સજા નહોતી. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની રીતે આચાર્ય કે શિક્ષકોની ગેરકાયદે નિમણૂંક કરવા બદલ દંડની રકમ રૂ. ૧૦ હજારથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી છે.
નિયમ મુજબ સ્કૂલ બંધ કરવા માટે સંચાલકે બોર્ડને ૬ મહિના અગાઉ નોટિસ આપીને મંજૂરી લેવાની હોય છે. હવે નોટિસ કે પૂર્વ મંજૂરી આપ્યા વિના સ્કૂલ બંધ કરનાર સંચાલકને રૂ. ૨૦ લાખ સુધીનો દંડ અને જેલની સજાની જાેગવાઈ કરાઈ છે, જે દંડ અગાઉ માત્ર રૂ. ૧ હજાર હતો. આ સાથે જ શિક્ષકો અને કર્મચારીઓના રક્ષણ માટે પણ જાેગવાઈ કરાઈ છે; જે મુજબ સંચાલકો કોઈ શિક્ષક કે આચાર્યને વ્યાજબી કારણ વિના સસ્પેન્ડ નહીં કરી શકે અને આ અંગે બોર્ડે ૪૫ દિવસમાં ર્નિણય લેવાનો રહેશે. આ બિલમાં બોર્ડના ચૂંટાયેલા સભ્યોને લઈને પણ ફેરફારો કરાયા છે.
ધોરણ ૯થી ૧૨ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી માટે સરકારે કેન્દ્રીયકૃત પદ્ધતિ નક્કી કરીને સંચાલકો પાસેથી સત્તા અગાઉ જ લઈ લીધી હતી. પરંતુ હવે ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટા પાયે ક્લાર્કની જગ્યાઓ ખાલી હોવાથી સ્પેશ્યલ એજ્યુકેટર્સ ઉપરાંત વર્ગ-૩ના કર્મચારીઓ (ક્લાર્ક એટલે કે બિનશૈક્ષણિક સ્ટાફ)ની ભરતીના નિયમો, પસંદગી પદ્ધતિ, કાર્યરીતિ અને લાયકાતો નક્કી કરવાની તમામ સત્તા પણ સરકાર હસ્તક રહેશે.
વર્ષ ૧૯૭૨ના મૂળ અધિનિયમમાં સ્પેશ્યલ એજ્યુકેટર્સનો કોઈ ઉલ્લેખ નહોતો, પરંતુ નવા સુધારા બિલમાં દિવ્યાંગો માટેના સ્પેશ્યલ એજ્યુકેટર્સ (ખાસ શિક્ષકો)ની ભરતી, લાયકાત અને નિમણૂંક સહિતની તમામ બાબતો આવરી લેવાઈ છે. આ સિવાય, ૧૯૭૨ના બિલમાં ગ્રાન્ટેડ સ્કૂલોને ‘ખાનગી સ્કૂલો‘ તરીકે ગણવામાં આવતી હતી, પરંતુ હવે નવા સુધારા બિલ દ્વારા સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોને આ અધિનિયમના કાર્યક્ષેત્રમાં લાવીને તેમને ‘ખાનગી‘ને બદલે ‘સરકાર સહાયિત‘ સ્કૂલો તરીકે ગણવાની સ્પષ્ટ જાેગવાઈ કરી છે.


