વેરાવળમાં GST રિટર્ન ફાઇલિંગ અંગે માર્ગદર્શન બેઠક, સમયસર રિટર્ન અને કરચુકવણી કરવા સૂચના

ગીર સોમનાથ જિલ્લાના ટેક્સ પ્રેક્ટિશનર્સ, એકાઉન્ટન્ટ્સ અને CA રહ્યા ઉપસ્થિત : મોડી કરચુકવણી પર ર્વાષિક ૧૮ ટકા વ્યાજની જોગવાઈ અંગે અપાઈ સમજ

વેરાવળમાં GST રિટર્ન ફાઇલિંગ અંગે માર્ગદર્શન બેઠક, સમયસર રિટર્ન અને કરચુકવણી કરવા સૂચના

ગીરસોમનાથ તા.૯
વેરાવળમાં સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી, ઘટક-87 દ્વારા GST રિટર્ન સમયસર ફાઇલ કરવા અને કરચુકવણી સહિતની વિવિધ જોગવાઈઓ અંગે માર્ગદર્શન બેઠક યોજવામાં આવી હતી. સહાયક રાજ્યવેરા કમિશનર કે.જે. ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ટેક્સ પ્રેક્ટિશનર્સ, એકાઉન્ટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન GST કાયદાની વિવિધ જોગવાઈઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને GST રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા, નિયત સમયમર્યાદા, કરચુકવણી તેમજ સમયસર રિટર્ન ફાઇલ ન કરવામાં આવે તો થતી કાર્યવાહી અંગે ઉપસ્થિત લોકોને જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માસિક કરગાળો પૂર્ણ થયા બાદ આગામી મહિનાની 11મી તારીખ સુધીમાં GSTR-1 રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. જ્યારે 20મી તારીખ સુધીમાં GSTR-3B રિટર્ન અને લાગુ પડતા કિસ્સામાં ૨૫મી તારીખ સુધીમાં GST PMT-06 ચલણ ભરવાનું રહે છે. કરદાતાઓને નિયત સમયમર્યાદામાં રિટર્ન ફાઇલ કરવાની સાથે બાકી કરની ચુકવણી પણ સમયસર કરવા જણાવવામાં આવ્યું હતું. રિટર્ન ફાઇલ કરવામાં અથવા કરચુકવણીમાં વિલંબ થાય તો GST કાયદાની જોગવાઈઓ અનુસાર દંડ સહિતની કાર્યવાહી થઈ શકે છે. સાથે જ મોડી કરચુકવણીના કિસ્સામાં ર્વાષિક 18 ટકાના દરે વ્યાજ વસૂલવાની જોગવાઈ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં હાજર ટેક્સ પ્રેક્ટિશનર્સ, એકાઉન્ટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા GST કાયદા અને રિટર્ન ફાઇલિંગને લગતા વિવિધ પ્રશ્નો તથા રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારીઓએ આ પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન અને સ્પષ્ટતા આપી હતી. અંતમાં ટેક્સ પ્રેક્ટિશનર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એકાઉન્ટન્ટ્સને GST કાયદાની લાગુ પડતી જોગવાઈઓનું સમયસર પાલન કરવા તેમજ કરદાતાઓને નિયત સમયમર્યાદામાં રિટર્ન અને કરચુકવણી કરવા પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી હતી.