રશિયાના માઉન્ટ મિઝહિરગી પર ભયાનક હિમસ્ખલન, ૧૧ પર્વતારોહકોના મોત
ચઢાણ કરી રહેલા ૩૩ પર્વતારોહકોના ગ્રુપ પર અચાનક ધસી આવ્યો બરફ; ૬ લોકો હજુ ગુમ, ૫૦થી વધુ બચાવકર્મીઓ શોધખોળમાં જોડાયા
મોસ્કો તા.8
રશિયાના ઉત્તરી કાકેશસ વિસ્તારમાં આવેલા માઉન્ટ મિઝહિરગી પર રવિવારે સાંજે ભયાનક હિમસ્ખલનની ઘટના સામે આવી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ૧૧ પર્વતારોહકોના મોત થયા છે, જ્યારે ૬ પર્વતારોહકો હજુ ગુમ હોવાનું જણાવાયું છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર દુર્ઘટના સમયે કુલ ૩૩ પર્વતારોહકોનું એક ગ્રુપ પહાડ પર ચઢાણ કરી રહ્યું હતું. આ દરમિયાન અચાનક મોટી માત્રામાં બરફ પહાડ પરથી ધસી આવ્યો અને પર્વતારોહકો તેની ઝપેટમાં આવી ગયા હતા. કેટલાક પર્વતારોહકો બરફ નીચે દબાઈ ગયા હતા.
અહેવાલ અનુસાર ગ્રુપમાંથી ૧૦ લોકો સુરક્ષિત રીતે નીચે ઉતરવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ ૧૧ પર્વતારોહકોના મોત થયાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે ૬ લોકો હજુ સુધી ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. ગ્રુપના બાકીના સભ્યોની સ્થિતિ અંગે આપેલી પ્રાથમિક માહિતીમાં સ્પષ્ટતા નથી.
ગુમ થયેલા પર્વતારોહકોની શોધ માટે ૫૦થી વધુ બચાવકર્મીઓને અભિયાનમાં જોડવામાં આવ્યા છે. જોકે પહાડી વિસ્તાર અત્યંત મુશ્કેલ હોવા ઉપરાંત ફરી હિમસ્ખલન થવાનું જોખમ હોવાથી રેસ્ક્યૂ ટીમોને સાવચેતી સાથે કામગીરી કરવી પડી રહી છે.
બચાવ દળ દ્વારા બરફથી ઢંકાયેલા વિસ્તારમાં ગુમ થયેલા પર્વતારોહકોને શોધવાના પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે.


