અંબાજી મંદિરનાં ભંડારમાં થયેલી દારૂ-ચિકન પાર્ટી અંગે તપાસનો ધમધમાટ : આજે બીજા દિવસે પણ નિવેદનો લેવાની કાર્યવાહી

એસડીએમ અને તપાસનીશ અધિકારી ચરણસિંહ ગોહિલ એકશન મોડમાં : ગુનો દાખલ થવાની ગણાતી ઘડીઓ

અંબાજી મંદિરનાં ભંડારમાં થયેલી દારૂ-ચિકન પાર્ટી અંગે તપાસનો ધમધમાટ : આજે બીજા દિવસે પણ નિવેદનો લેવાની કાર્યવાહી

જૂનાગઢ તા. ૧૬
બાવન શકિતપીઠ પૈકીની ઉદયન શકિતપીઠ ગણાતા એવા ગીરનાર પર્વત ખાતે અંબાજી માતાજીનાં મંદિરનાં ભંડાર રૂમમાં દારૂ અને ચિકન પાર્ટી થયા અંગેનો વિડીયો વાઈરલ થયાનાં બનાવને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. ઉપરાંત આવું અધર્મ કૃત્ય કરનારાઓ સામે તાત્કાલીક અસરથી પગલા લેવાની માંગણી કરવામાં આવી રહી છે. ઉપરાંત ફોજદારી ગુનો પણ જવાબદારો સામે દાખલ કરવા હિન્દુ સમાજની માંગણી રહેલી છે ત્યારે કલેકટરશ્રીનાં આદેશ બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે જૂનાગઢનાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા બનાવનાં મુળ સુધી પહોંચવા ગઈકાલે રવિવારે આખો દિવસ તપાસનો ધમધમાટ રહયો હતો અને આજે બીજા દિવસે પણ બાકી રહેલાઓ લોકોનાં નિવેદનો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગણતરીનાં કલાકોમાં જ આ દિશામાં વહીવટી તંત્ર દ્વારા આગળનું પગલું ભરવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે.
અંબાજી માતાજી મંદીરનાં ભંડાર રૂમમાં દારૂ અને ચિકન પાર્ટીની જે ઘટના બની તે નિંદનીય છે તેમજ આવી ઘટના બની તેની પાછળ કોનો હાથ છે ? અને પાંચ મહિના પહેલા એટલે કે બેસતા વર્ષનાં દિવસે ઘટના બની હતી અને જે તે વખતે બનેલી આ ઘટનાનાં ઘણા સમય બાદ વિડીયો વાયરલ થવાનું કારણ શું ? તે તમામ બાબતને લઈને અનેક અટકળો અને સવાલો ઉઠવા પામ્યા છે. પવિત્ર ધામિર્ક સ્થાન ઉપર બનેલા આ બનાવ અંગે વહીવટી તંત્ર દ્વારા તપાસનાં ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે અને પુરોજાેશમાં  કામગીરી ચાલી રહી છે. જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાનાં આદેશ અનુસાર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ કે જે ગાંધીનગર તાલીમમાં હતા ત્યાંથી આવ્યા બાદ ગઈકાલથી જ તપાસનો દોર સંભાળી લીધો છે. ગઈકાલનાં આખો દિવસ દરમ્યાન ર૬થી વધારે લોકોનાં નિવેદનો લીધા છે. ઉપરાંત બનાવનાં સ્થળનું પંચો રૂબરૂ નીરીક્ષણ કરવામાં આવેલ છે તેમજ સીસીટીવી ફૂટેજમાં દેખાતા લોકોની પણ તપાસ ચાલી રહી છે.

આ ઘટનાની આસપાસ સંકળાયેલા તમામની ઉંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરવામાં આવી છે અને બાકી રહેલાઓની પણ આજે બીજા દિવસે પુછરપછ અને નિવેદનો લેવામાં આવી રહયા છે. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, ધામિર્ક સ્થાનમાં પાપ લીલા કરનારા એટલે કે આવી પાર્ટી કરનારાઓને છોડવામાં નહી આવે તેમજ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્દેશ આપ્યો હતો અને આજકાલમાં જ જવાબદારો સામે કાયદેસરની એફઆઈઆર પણ દાખલ તેમ મનાઈ છે.