સફેદ દૂધનો કાળો કારોબાર : જૂનાગઢમાં કેમીકલયુકત નકલી દૂધ ભરેલુ ટેન્કર ઝડપાયું જૂનાગઢનું ફુડ વિભાગ કોમામાં ? દૂધનો રીપોર્ટ ૬ મહીના પછી આપશે !!!

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ટીમે ચોકકસ બાતમીનાં આધારે લેરીયાથી આવેલા ટેન્કરને અટકાવી તંત્રને સોંપી દીધું

સફેદ દૂધનો કાળો કારોબાર : જૂનાગઢમાં કેમીકલયુકત નકલી દૂધ ભરેલુ ટેન્કર ઝડપાયું જૂનાગઢનું ફુડ વિભાગ કોમામાં ? દૂધનો રીપોર્ટ ૬ મહીના પછી આપશે !!!

 જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ સહીત સોરઠમાં ભેળસેળીયા પદાર્થોની બોલબાલા રહી છે તેમજ ખાદ્ય પદાર્થો તેમજ દૂધ, ઘી સહીતનાં પુરવઠામાં પણ મોટાપાયે મિલાવટ કરવામાં આવતી હોવાની ઘણા લાંબા સમયથી વ્યાપક ફરીયાદો રહેલી છે અને તેની સામે ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કાર્યરત એવું ફુડ વિભાગ નિયમંન તંત્ર બેદરકાર તેમજ કોમામાં હોવાનાં કારણે ભેળસેળીયા તત્વોને ભારે મોજ પડી ગઈ છે. ફુડ વિભાગનું તંત્ર કેટલી હદે લાપરવા છે તે અંગેનો બોલતો પુરાવો ગઈકાલે સાંપડયો છે જેમાં શંકાસ્પદ દૂધનો જથ્થો ટેન્કરમાં આવી રહયો હતો અને તેને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમે અટકાવી અને તપાસ કરતાં ભારે સનસનીખેજ વિગતો બહાર આવી હતી. એટલું જ નહીં ફુડ વિભાગનાં અધિકારીઓનાં ઉડાઉ જવાબનો કિસ્સો પણ જાહેર થયો હતો અને જેને લઈને ફુડ વિભાગની બેદરકારીની પોલ પણ ખુલવા પામી હતી. 
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે રવિવારે કાળવા ચોક પાસે આવેલી સરકારી લાયબ્રેરી નજીક લેરીયાથી આવી રહેલા દૂધ ભરેલા ટેન્કર જીજે-૧૪-એકસ ૮૯૬૬ નંબરનાં ટેન્કરને સવારનાં ૭ વાગ્યે ઝડપી લેવામાં આવ્યું હતું. આ ટેન્કરને પકડનારામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેની ટીમ હતી. દૂધમાં કંઈક ખોટુ થયાનું તેમજ ભેળસેળ કરવામાં આવતી હોવાની ચોકકસ બાતમીનાં આધારે આ જનતા રેડ પાડવામાં આવી હતી. અને આખરે યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમે દૂધનું ભરેલું આ ટેન્કર ઝડપી લીધું હતું. લેરીયા ગામનાં દેવાભાઈ ભરવાડની ડેરીનાં માધ્યમથી આ શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યું હતું. અને ત્યાં જ જનતા રેડમાં આ ટેન્કરને અટકાવ્યું હતું અને ત્યારબાદ ૧૧ર પર કોલ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. સી ડીવીઝન પોલીસની સાથે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારી પણ સ્થળ ઉપર પહોંચ્યા હતાં. આ ટેન્કરને સી ડીવીઝન પોલીસ મથક પર લઈ જઈ દૂધનાં નમુના મેળવી પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરમ્યાન સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એ.બી. ગોહીલે જણાવ્યું હતું કે કેમીકલયુકત દૂધ ભરેલા ટેન્કર બાબતે પોલીસે નિવેદન સહીતની કાર્યવાહી કરી હતી. અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીની સુચના મુજબ શંકાસ્પદ દૂધનો ઈવનગર રોડ પર આવેલ ડમ્પીંગ સાઈટ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ અને સોરઠ પંથકમાં દૂધમાં ભારે મોટી મિલાવટપણું કરી અને વાંધાજનક કેમીકલ ભેળવવામાં આવતું હોવાની અને ફેટ વધારવા માટેની અવનવી તરકીબો કરવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠેલી છે. આ ઉપરાંત કેટલીક નામાંકીત ડેરીઓનાં સંચાલકો દ્વારા પણ પશુ પાલકો પાસેથી દૂધ મેળવી અને તેમાં પાઉડર સહીતનો હલકી ગુણવત્તાનો પદાર્થ ભેળવી અને અસલી દૂધમાં નકલીની ભેળસેળ કરી અને મોટો કારોબાર ચલાવવામાં આવી રહયો છે ત્યારે આ બાબતે ઉંડાણપૂર્વકની વધુ તપાસ કરવામાં આવે તો સોરઠની વધુ કેટલીક દૂધ ઉત્પાદન ડેરીઓ પણ શંકજામાં આવે તેવું પણ ચર્ચાય રહયું છે.

‘‘ટેસ્ટીંગ વાન રાજકોટ રીપેરમાં હોવાથી નમુનાનું ટેસ્ટીંગ નહી થઈ શકે ’’ જૂનાગઢનાં ડ્રગ એન્ડ ફુડ વિભાગની લાલીયાવાડી
જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ શહેરમાં ભેળસેળીયા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ફુડ વિભાગ કાર્યરત છે. જેને ખોરાક અને ઔષધ નિયમન વિભાગ કહેવામાં આવે છે. આ વિભાગનું મુખ્ય કાર્ય જ એ છે કે બજારમાં વેચાતી ખાણી-પીણીની વસ્તુઓનું ચેકીંગ કરી અને જાે કયાંય પણ ગોલમાલ થયું હોય તો જવાબદારો સામે કડક પગલા ભરવા પરંતુ જૂનાગઢમાં ફુડ વિભાગ જ ખોખલુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગઈકાલે લેરીયાથી આવેલા એક શંકાસ્પદ દૂધનાં ટેન્કરને યુવરાજસિંહ જાડેજા અને તેમની ટીમે અટકાવી અને તેની તલાશી લેતાં કંઈક ભેળસેળ થયા હોવાની શંકા ઉભી થઈ હતી અને જેને લઈને સંબંધીત વિભાગને જાણ કરવામાં આવી હતી. એફએસએલ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને ફુડ ઈન્સ્પેકટર ત્રિવેદીને તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી. દરમ્યાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે ફુડ ઈન્સ્પેકટર ત્રિવેદીને આ બાબતની જાણ કરી અને સ્થળ ઉપર આવ્યા હતાં ત્યારે દૂધ અંગેનાં નમુના લેવા બાબતે જણાવતા ૬ માસ સુધી ટેસ્ટીંગ નહી થઈ શકે. એમ જણાવી ફુડ ઈન્સ્પેકટરે જણાવ્યું હતું કે અમારી ટેસ્ટીંગ માટેનાં સાધનોવાળી એટલે કે ટેસ્ટીંગ વાન છેલ્લા ૬ માસ થયા રાજકોટ ખાતે રીપેરમાં પડી છે તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો તેઓ આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો.

આ તકે વધુમાં યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફુડ વિભાગનાં આ ઉડાઉ જવાબ બાદ અમે અમારી પાસે રહેલી મિલ્ક ટેસ્ટની કીટથી આ દૂધનું પરીક્ષણ કર્યુ હતું તેમજ આવી કીટ ફુડ વિભાગને પણ અમે ભેટ આપી છે જેથી તેઓ પણ સમયસર કાર્યવાહી કરી શકે. ફુડ વિભાગનો કાયદો છે કે ૧૪ દિવસમાં શંકાસ્પદ નમુનાનો રીપોર્ટ આવી જવો જાેઈએ અને ઉપરાંત બે દિવસમાં જે તે જથ્થો હોય તેની પરીક્ષણની માહિતી મળી ગયા બાદ આ જથ્થાને યોગ્ય સ્થાને મોકલવાનો છે કે તેનો નાશ કરવાનો છે તે બધી બાબતનો ખુલાસો થઈ શકે છે. પરંતુ અહી તો આખી બાબત જ ઉલ્ટી છે. અધિકારીએ જયારે એવો જવાબ આપ્યો છે કે ૬ માસ સુધી કોઈ ટેસ્ટીંગ ન થઈ શકે તો મારો એ સવાલ છે કે ૬ માસ દરમ્યાન કોઈને ગંભીર પ્રકારનાં રોગો થાય તો તેની જવાબદારી કોની ? લોકોનાં આરોગ્ય સાથે ગંભીર પ્રકારનાં ચેડા થઈ રહયા છે ત્યારે તેની સામે પણ યુવરાજસિંહ જાડેજાએ તીવ્ર આક્રોષ વ્યકત કરી તત્કાલ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.