ચાંદીપુરા વાયરસથી મહેસાણા જીલ્લામાં 4 વર્ષીય બાળકીનું મોત : કુલ 16 બાળકોના મોત : આરોગ્ય તંત્રમાં હડકંપ
મહેસાણા તા.28
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. બહુચરાજી તાલુકાના દેલવાડા (ખાંટ) ગામની ચાર વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત રાત્રે કરૂણ મોત નિપજ્યું છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે નોંધાયેલું આ પ્રથમ મોત હોવાથી આરોગ્ય તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.
દેલવાડા (ખાંટ) ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામની બાળકીને ગત રવિવારે અચાનક તીવ્ર તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થતાં પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના લક્ષણો શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગે તેના બ્લડ સેમ્પલ ચકાસણી અર્થે ગાંધીનગર લેબમાં મોકલ્યા હતા. સોમવારે આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જ બાળકીને વધુ સઘન સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.


