રત્નદીપ યોજનામાં સહાય ન મળતા જૂનાગઢનાં રત્નકલાકારો દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું : ટેકનીકલ ભુલો સુધારીને તક આપવા રજુઆત

રત્નદીપ યોજનામાં સહાય ન મળતા જૂનાગઢનાં રત્નકલાકારો દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું : ટેકનીકલ ભુલો સુધારીને તક આપવા રજુઆત

જૂનાગઢ તા. ર૧
જૂનાગઢ જિલ્લાના રત્નકલાકારો છેલ્લા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રત્નદીપ સહાય યોજનામાં વહીવટી અવરોધો આવતા ગઈકાલે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ ગઈકાલે મોટી સંખ્યામાં એકત્રિત થઈ રત્નકલાકારોએ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની પડતર માંગણીઓ અને સહાયના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અહેવાલમાં રત્નકલાકારોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, યોજનાના અમલીકરણમાં ટેકનિકલ ખામીઓને આગળ ધરીને શ્રમિકોને તેમના હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ રત્નકલાકાર યુનિયનના લીડર કેતન હીરપરાએ જણાવ્યું હતું કે, અમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રત્નકલાકારોની વેદના રજૂ કરી છે. રત્નદીપ સહાય યોજના અંતર્ગત કુલ ૨૮૯૨ જેટલા રત્નકલાકારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાંથી માત્ર ૬૭૬ કલાકારોને જ આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે. બાકીના મોટી સંખ્યામાં કલાકારો સહાયથી વંચિત રહી ગયા છે. કેતન હીરપરાએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે આ બાબતે જીલ્લા ઉદ્યોગ અધિકારીની કચેરીએ તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે ઘણી અરજીઓમાં માત્ર તારીખને બદલે મહિનો અને વર્ષ લખેલું હોવા જેવી સામાન્ય ટેકનિકલ ક્ષતિઓને કારણે અરજીઓ સીધી જ નામંજૂર કરી દેવામાં આવી છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે રત્નકલાકાર વર્ગ અભણ અને અજ્ઞાત હોવાથી આવી નાની ભૂલો થઈ શકે છે, પરંતુ તેના આધારે તેમને સહાયથી વંચિત ન રાખવા જોઈએ અને અરજીમાં સુધારો કરવાની તક આપવી જોઈએ. વધુમાં જૂનાગઢના રત્નકલાકારોએ સરકાર પાસે ન્યાયની માંગ કરી છે. કલાકારોનું કહેવું છે કે જો વહીવટી તંત્ર માનવીય અભિગમ અપનાવીને અરજીઓની ટેકનિકલ ખામીઓ સુધારવાની મંજૂરી આપે, તો સેંકડો પરિવારોને આર્થિક ટેકો મળી શકે તેમ છે. આવેદનપત્રમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે રત્નકલાકારો આ આર્થિક સ્થગિતતા વચ્ચે જો સહાય મેળવવામાં નિષ્ફળ રહેશે. તો તેમની સ્થિતિ વધુ કફોડી બનશે. જેથી આ બાબતે તત્કાલ યોગ્ય કરવાની માંગણી કરવામાં આવી છે.