ખંભાળિયાના જૂની ફોટ ગામે મગરનું મોડી રાત્રે સફળ રેસ્ક્યુ કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૮
ખંભાળિયા તાલુકાના જૂની ફોટ ગામે આવેલા વાડી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે અચાનક એક મગર આવી ચડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. જેથી ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના જાણીતા રેસ્ક્યુઅર અને જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો. બનાવની જગ્યાએ અંધારા વચ્ચે પણ અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે ભારે સૂઝબૂઝ દાખવી મગરને કોઈપણ જાતની ઈજા પહોંચાડયા વિના સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બરડા અભયારણ્ય વિસ્તારમાં આવેલા ગુલાબ સાગર તળાવ ખાતે મુક્ત કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમનો ગામલોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


