ગોસાબારા લેન્ડિંગ પોઈન્ટના દરિયા કિનારેથી રૂા.૩૦.૬૭ લાખનું મારીઝુઆના, હસીસ નામનું ચરસ બિનવારસી હાલતમાં મળ્યું
નવીબંદર મરીન પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન ૧૨.૨૭૦ કિલોગ્રામ મારીઝુઆના હસીસના ૧૦ પેકેટ મળ્યા
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૯
નવીબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોસાબારા લેન્ડિંગ પોઈન્ટના દરિયા કિનારેથી નવીબંદર મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ હાલતમાં મારીઝુઆના હસીસ(ચરસ)નો રૂા.૩૦ લાખ ૬૭ હજારનો જથ્થો મળી આવતા નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દેશના દુશ્મનો દ્વારા ભારતને આંતરિક રીતે ખોખલો કરવાના ઈરાદાથી ડ્રગ્સ ઘુસાડવાના અવનવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. જોકે, ભારતીય સુરક્ષા એજન્સીઓની તેમજ પોરબંદર પોલીસ ની સતર્કતા અને સતત દેખરેખને કારણે આવા પ્રયાસો મોટા ભાગે નિષ્ફળ સાબિત થતા હોય છે. વિદેશથી લાવવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઈ જવાના ભયને કારણે તસ્કરો ઘણી વખત દરિયામાં જ જથ્થો ફેંકી દેતા હોય છે. બાદમાં દરિયાઈ પ્રવાહના કારણે આવા પેકેટો કિનારાઓ સુધી પહોંચી જતા હોય છે. ભૂતકાળમાં પણ પોરબંદર જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી આરડી એક્સ તેમજ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી પોરબંદર જિલ્લા પોલીસને દરિયાઈ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને ચાંપતી નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અમલરૂપે રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી સુતરીયા તથા નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનનાનો સ્ટાફ આ બાબતે કાર્યરત હોય તે દરમ્યાન એ.એસ.આઈ. આર.એમ. ઓડેદરા તથા પી.એન. ભુવાનાઓ કોસ્ટ લાઈન ફ્રૂટ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ગોસાબારા લેન્ડિંગ પોઈન્ટ દરિયા કિનારે એક બાસકામાં મારીઝુઆના/હસીસ નામનું ચરસના પેકેટ નંગ-૧૦ મળી આવ્યા હતા. આ બાબતે નવીબંદર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસો તથા સરકારી પંચો સાથે રાખી કાર્યવાહી કરી ગોસાબારા લેન્ડિંગ પોઈન્ટ દરિયા કિનારેથી મળેલ બસકાની તપાસ કરતા મારીઝુઆના હસીસ નામનું ચરસ પેકેટ નંગ -૧૦ વજન ૧૨ કિલો ૨૭૦ ગ્રામ વજનનો મારીઝુઆના હસીસ(ચરસ)નો જથ્થો મળી આવ્યો હતો. તેની અંદાજિત કિંમત રૂા.૩૦,૬૭, ૫૦૦ હોવાનું સામે આવ્યું છે. આ અંગે બિનવારસુ માલ મળી આવતાં મરીન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. મુજબ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


