વડોદરામાં ગરબા સમયે જાહેરમાં કપલે અશ્લીલ હરકત કરીને રીલ બનાવતા લોકોમાં રોષ.
નવરાત્રિમાં ગરબા રમવા એ માતાજીની પવિત્ર ઉપાસનાનો એક ભાગ છે. પરંતુ શેરી ગરબાના સ્થાને જેમ જેમ આધુનિક નવરાત્રિ મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે તેમ તેમ અહી માતાજીની આરાધનાને સ્થાને અશ્લીલ હરકતો અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુસરણ વધી રહ્યું છે. ગઈકાલે રાજકોટના નીલ સીટી ક્લબમાં ગરબાના નામે હોલીવુડ અને બોલીવુડના ગીતો ચલાવતા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે આજે ફરી વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં એક કપલે જાહેરમાં પોતાની હલકી માનસિકતા અને પશ્ચિમી સંસ્કૃતિનું પ્રદર્શન કરતા ચુંબન કરીને વિદેશી ધબે રીલ બનાવી હતી. આ નજરે જોનારા સૌ રોષે ભરાયા હતા તેમજ આવા આયોજનમાં નાના બાળકો પણ ગરબા રમવા માટે આવતા હોય છે ત્યારે આનાથી એમના કુમળા માનસ પર ખરાબ અસર પડે છે. માતાજીના પવિત્ર ગરબામાં આ પ્રકારે થયેલા માતાજી અને ધર્મનું અપમાનથી સૌ કોઈ ગરબા આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
કેટલાક સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓના કહેવા મુજબ આ પ્રકારની રીલ બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકીને પૈસા કમાવવા કેટલાક હીન માનસિકતા ધરાવતા લોકો આ પ્રકારની હરકતો કરતા હોય છે. પરંતુ આવી હરકતો બાબતે ધર્મનું માન જાળવવા અને સંસ્કૃતિને બચાવવા માટે ગરબા આયોજકો અને લોકોએ જાગૃત થઈને કડક પગલા લેવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૨ માં યુનાઈટેડ વેના ગરબા આયોજનમાં એક યુવતીએ સિગરેટ પીને રીલ બનાવેલી તેમજ આ વર્ષે થોડા દિવસો પહેલા યુનાઇટેડ વે દ્વારા પાસ વિતરણ માટે ખેલૈયાઓને અલકાપુરી ક્લબ ખાતે બોલાવીને પાસ ન આપતા બબાલ થયેલી. અગાઉના વર્ષોમાં પણ યુનાઈટેડ વે ઘણીવાર તેમના ગરબા આયોજન અને અનુચિત હરકતોને કારણે વિવાદમાં રહ્યું છે.


