દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે ટચ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર

દ્વારકા જામનગર હાઈવે પર દબાણગ્રસ્ત જમીનો ખુલ્લી કરાવાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે ટચ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા જામનગર હાઈવે પર ગ્રામ્ય વિસ્તારના અંદાજે ૧૦૦ સ્કવેર મીટર જમીનો પર ગેરકાયદે દબાણોને આજરોજ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. સ્થાનીય તંત્ર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામો પર ચાલેલી ડીમોલીશન કામગીરી દરમ્યાન ત્રણ ધાર્મિક દબાણો અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા અને સરકારી જમીન દબાણમુકત કરાવાઈ હતી. દબાણગ્રસ્ત જમીનની કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડીમોલીશનની કામગીરી યથાવત રાખવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
નવરાત્રિના પ્રથમ નોરતે શકિતસ્થાનનું ડિમોલીશન કરાતા માઈભકતોમાં રોષની લાગણી
ગૌચરની જમીનો પર ભૂમાફિયાના દબાણો પર કાર્યવાહી ક્યારે?
આજરોજ શારદીય નવરાત્રિનો પ્રારંભ થયેલ છે અને સતત નવ દિવસ માઈભકતો દ્વારા માતાજીની પૂજા આરાધના સાથે ગુણગાન ગવાશે ત્યારે ભકતોની આશા પુરી કરતા આશાપુરા માતાજીના શકિતસ્થાનનું આજરોજ દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા ડીમોલીશન કરાતા માઈભકતોમાં રોષની લાગણી ફેલાઈ છે. નોંધનીય બાબત છે કે સરકારી ખરાબા અને ગૌચરની જગ્યામાં અસંખ્ય ભૂમાફીયાઓના દબાણો વિસ્તર્યા છે ત્યારે તંત્ર માત્ર ને માત્ર ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવી સરકારી જગ્યા ખૂલ્લી કર્યાનો સંતોષ માને છે. આવતીકાલે પણ માતાજીના મંદિર સહિત ચાર હિન્દુ ધાર્મિક સ્થળોએ તંત્રનું બુલડોઝર ચાલવામાં આવી શકે છે તેમ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા ભૂમાફિયાઓ વિરૂધ્ધ એકશન મોડમાં આવતાં કોની શરમ નડે છે તેવા પ્રશ્નો પણ લોકમુખે ચર્ચાઈ રહયા છે.