પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનું યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે વન્યજીવ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી

પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનું યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે વન્યજીવ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી

જૂનાગઢ, તા.૮
કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢની પશુચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલન મહાવિદ્યાલયની વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ (એસ.આર.સી.) દ્વારા વન વિભાગ, જૂનાગઢના સહયોગથી વન્યજીવ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વન્યજીવ સંરક્ષણ, જૈવવિવિધતાની સુરક્ષા તથા માનવ અને વન્યજીવ વચ્ચે સુમેળપૂર્ણ સહઅસ્તિત્વ અંગે જાગૃતિ કેળવવાનો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અક્ષય જાેશી,IAS, નાયબ વન સંરક્ષક, જૂનાગઢ અતિથિ વિશેષ તરીકે એમ. આર. ઓડેદરા, મદદનીશ વન સંરક્ષક, જૂનાગઢ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. એમ. ડી. ઓડેદરા,  એસ.આર.સી.ના ચેરમેન ડો.વી. આર. નિમાવત તથા પી. ડી. સુહાગિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સાઉથ રેન્જ, ગિરનાર ઉપસ્થિત રહ્યા હતા.
ડો.વી. આર. નિમાવતે સ્વાગત પ્રવચન આપતાં યુવા પેઢીમાં વન્યજીવ તથા કુદરતી સંસાધનોના સંરક્ષણ પ્રત્યે સંવેદના વિકસાવવામાં વન્યજીવ સપ્તાહના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. અક્ષય જાેશી, IASએ વન્યજીવ સંરક્ષણ વિષય પર પ્રેરણાદાયી ઉદ્બોધન આપતાં સામુદાયિક ભાગીદારી, કુદરતી આવાસો પ્રત્યે જવાબદાર વર્તન તથા જૈવવિવિધતાના સંરક્ષણમાં યુવા વ્યાવસાયિકોના સક્રિય યોગદાનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. અધ્યક્ષીય ઉદ્બોધનમાં ડૉ. એમ. ડી. ઓડેદરાએ વન્યજીવ આરોગ્ય, રોગ સર્વેલન્સ, સંરક્ષણ તથા વ્યાપક ‘વન હેલ્થ’ અભિગમમાં પશુચિકિત્સકો અને પશુચિકિત્સા વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રેખાંકિત કરી હતી.
કાર્યક્રમમાં પ્રો. સંજયકુમાર ભૂત, એસોસિએટ પ્રોફેસર, મહિલા કોલેજ, વેરાવળ, ભાવેશભાઈ ચાવડા, પ્રાચાર્ય, વડલા પ્રાથમિક શાળા તથા કેયુરભાઈ સંચલા, પીજીવીસીએલ દ્વારા વન્યજીવ સંરક્ષણ સંબંધિત પોતાના મૂલ્યવાન અનુભવો, નિરીક્ષણો અને વ્યવહારુ દૃષ્ટિકોણ રજૂ કર્યા, જેના કારણે વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિતોમાં વિશેષ રસ અને જાગૃતિ સર્જાઈ હતી. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ વન વિભાગના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ વન્યજીવ સુરક્ષા, જૈવવિવિધતા સંરક્ષણ અને જવાબદાર સહઅસ્તિત્વ અંગે જાગૃતિ મજબૂત કરવા માટે એક અર્થપૂર્ણ મંચ સાબિત થયો હતો અને યુવા પશુચિકિત્સા વ્યાવસાયિકોને દેશની સમૃદ્ધ કુદરતી ધરોહરના સંરક્ષણમાં સક્રિય સહભાગી બનવા માટે પ્રેરિત કર્યા હતા.