જૂનાગઢમાં શહિદ વિરની સન્માન યાત્રા યોજાઈ
જૂનાગઢ તા.૭
જૂનાગઢનાં વતની અને દિલ્હી એર ફોર્મેશન સિગ્નલ કંપનીમાં ફરજ બજાવતા હવાલદારનું નાદુરસ્ત તબીયતના કારણે નિધન થયું છે. આજે શહીદ હવાલદારને નવા નાગરવાડા તેના નિવાસ સ્થાને ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની અંતિમયાત્રા નીકળી હતી. જૂનાગઢમાં નવા નાગરવાડામાં રહેતા અમીતભાઈ મનુભાઈ ધોળકીયા પ્રથમ લદાખ અને ત્યારબાદ દિલ્હી એર ફોરમેશન સિગ્નલ કંપનીમાં ર૩ વર્ષથી હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા. શ્વાસની તકલીફ-ઈન્ફેકશનને કારણે છેલ્લા ત્રણ વર્ષથી બીમાર હતા. નાદુરસ્ત તબીયતના કારણે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. કંપની દ્વારા તેમનાં પાર્થિવદેહને જામનગર એરપોર્ટથી જૂનાગઢ લાવવામાં આવેલ હતાં. તા. આજે સવારે મજેવડી દરવાજાથી નવા નાગરવાડા તેના નિવાસ સ્થાન સુધી બાઈક રેલી દ્વારા સન્માનયાત્રા નીકળી હતી. ત્યારબાદ સવારે ૧૦ કલાકે ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવેલ હતું. જેમાં એસપી, માજી સૈનિકો સહીતનાઓ જાેડાયા હતાં. અંતિમયાત્રા દરમ્યાન માર્ગો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. શહીદ હવાલદારને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. હવાલદારના નિધનથી તેમનો પરીવાર તથા માજી સૈનિક સેવા ફાઉન્ડેશનમાં શોક છવાયો છે.


