બહાઉદ્દીન સરકારી આર્ટ્સ કોલેજ, જૂનાગઢ ખાતે "એક ભારત શ્રેષ્ઠ ભારત" વિષય પર રાષ્ટ્રીય સેમિનારની ભવ્ય ઉજવણી
૩૦૦ જેટલા પ્રતિભાગીઓ અને વિવિધ કોલેજોના આચાર્યોની વિશેષ ઉપસ્થિતિ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૩
નોલેજ કન્સોટિર્યમ ઓફ ગુજરાત(KCG)ના આર્થિક સહયોગથી અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટી સાથે સંલગ્ન બહાઉદ્દીન સરકારી આર્ટ્સ કોલેજ, જૂનાગઢના IQAC વિભાગ દ્વારા ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ "એક ભારત શ્રેષ્ઠ ભારત" વિષય પર એક ભવ્ય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપતા આ સેમિનારમાં આશરે ૩૦૦ જેટલા સ્પર્ધકો અને પ્રતિભાગીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમની મંગલ શરૂઆત ડો. જાગૃતિ વ્યાસ દ્વારા પ્રસ્તુત કરાયેલી સુમધુર પ્રાર્થનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ ઉદ્ઘાટન સમારંભનું સુંદર અને જીવંત સંચાલન ડો. દીપિકા કેવલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. બહાઉદ્દીન આર્ટ્સ કોલેજના આચાર્ય ડો. જે. આર. વાંઝાએ પધારેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા પ્રાસંગિક સંબોધન કર્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં "એક ભારત શ્રેષ્ઠ ભારત"ના મૂળ મંત્રને સમજાવતા જણાવ્યું હતું કે સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વિવિધતામાં એકતા જ આપણા દેશની સાચી તાકાત છે, જે ભારતભરના લોકોને એક અતૂટ તાંતણે બાંધે છે. આ ઉદ્ઘાટન સત્રની આભારવિધિ ડો. જાગૃતિ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા બહાઉદ્દીન સરકારી સાયન્સ કોલેજના આચાર્ય ડો. આર. પી. ભટ્ટે પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં બહાઉદ્દીન કોલેજના ૧૯૦૨ થી શરૂ થયેલા ભવ્ય અને ઐતિહાસિક વારસાને અત્યંત સુંદર રીતે આવરી લીધો હતો અને કોલેજના શાનદાર ઇતિહાસને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે જોડીને અદ્ભૂત સંદેશ આપ્યો હતો. આ રાષ્ટ્રીય સેમિનારમાં મુખ્ય વક્તાઓ (Key -Note Speakers) દ્વારા અત્યંત તલસ્પર્શી અને જ્ઞાનવર્ધક માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. પ્રથમ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા જનાર્દનરાય નગર રાજસ્થાન વિદ્યાપીઠ, ઉદયપુર, રાજસ્થાનના કુલાધિપતિ પ્રો. ડો. બળવંત જાનીએ ભારતની સાંસ્કૃતિક વિવિધતામાં રહેલી એકતાના દાર્શનિક અને બંધારણીય પાસાઓ પર વિસ્તૃત અને ઊંડો પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતીય જ્ઞાન પરંપરા, સહકારયુક્ત શાસન વ્યવસ્થા અને આપણી સંસ્કૃતિના મૂળિયાં કઈ રીતે સમગ્ર રાષ્ટ્રને એકસૂત્રમાં બાંધે છે તે બાબતે સચોટ ઐતિહાસિક ઉદાહરણો આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બીજા મુખ્ય વક્તા આદિપુર-કચ્છની તોલાણી સાયન્સ કોલેજના એસોસિએટ પ્રો. મહેશભાઈ ઓઝાએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ખૂબ જ રસપ્રદ શૈલીમાં સમજાવ્યું હતું કે આંતર-રાજ્ય સાંસ્કૃતિક વિનિમય, ભાષાકીય સહિષ્ણુતા અને એકબીજાની પરંપરાઓને સ્વીકારવાથી પ્રાદેશિક ભેદભાવો કાયમ માટે દૂર થાય છે. ડો. ઓઝાએ ઉપસ્થિત યુવાનોને રાષ્ટ્રીય એકતાના સાચા રાજદૂત બનીને દેશના વિકાસમાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપવા માટે પ્રેરણાદાયક આહ્વાન કર્યું હતું.
આ સેમિનારમાં બપોરના સત્રમાં ૨:૩૦ થી ૩:૩૦ વાગ્યા દરમિયાન સંશોધન પત્રોની પ્રસ્તુતિ માટે ચાર સમાંતર (પેરેલલ) સેશનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચારેય સેશન્સમાં કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને પી.એચ.ડી. ના સંશોધકો દ્વારા "એક ભારત શ્રેષ્ઠ ભારત" ના વિવિધ પેટા-વિષયો પર પોતાના ઉત્કૃષ્ટ સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. વિશેષ નોંધનીય બાબત એ રહી કે આ ચારેય પેરેલલ સેશનના ચેરપર્સન તરીકેની જવાબદારી અને સફળ સંચાલન બહાઉદ્દીન કોલેજના જ અધ્યાપકો દ્વારા સુપેરે નિભાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આ રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં સૌરાષ્ટ્રભરની વિવિધ કોલેજોના આચાર્યઓએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. જેમાં ડો. રાજેન્દ્રસિંહ રાઠોડ, ડો. રાજેશ રાઠોડ, ડો. કે. એસ. મેઘનાથી, ડો. બલરામ ચાવડા, ડો. મગનભાઈ ત્રાડા, ડો. દિનેશ ડઢાણિયા, ડો. જમકુબેન સોજિત્રા, ડો. પરવેઝ બ્લોચ, ડો. એ.પી. મ્યાત્રા, ડો. ડી.વી. દવે જેવા પ્રતિષ્ઠિત આચાર્યઓ અને પ્રાધ્યાપકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
સેમિનારના સમાપન સમારોહના અધ્યક્ષ તરીકે સુભાષ મહિલા કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને ઇતિહાસકાર ડો. પ્રદ્યુમન ખાચર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં ઇતિહાસના દ્રષ્ટિકોણથી "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની સંકલ્પના સ્પષ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે ભારતનો સુવર્ણ ઇતિહાસ જ આપણને અનેકતામાં એકતા અને સાંસ્કૃતિક સહઅસ્તિત્વના ઉત્તમ પાઠ ભણાવે છે. આ સમાપન સમારોહનું અત્યંત સુંદર અને સફળ સંચાલન ડો. ભરત રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમની અંતિમ આભારવિધિ ડો. દિના લોઢિયા દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર સેમિનારના સફળ આયોજન અને વ્યવસ્થાપનમાં કોલેજના NSS (રાષ્ટ્રીય સેવા યોજના) અને NCC (નેશનલ કેડેટ કોર્પ્સ)ના વિદ્યાર્થીઓનો રોલ પણ અત્યંત સરાહનીય રહ્યો હતો. આ ભવ્ય અને જ્ઞાનવર્ધક સેમિનારને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે કાર્યક્રમના કન્વીનર ભાવિક એલ. ચાવડા તથા કો-કન્વીનર ડો. દિના લોઢિયા અને ડો. જીતેન પરમાર સહિત સમગ્ર ઓર્ગેનાઇઝીંગ કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી.


