જૂનાગઢ મનપાનાં રાજમાં દિવસે અજવાળા અને રાત્રે અંધારા !
ધોળા દિવસે લાઈટો ચાલુ રાખી દીધી લોકોમાં ભારે ચર્ચા
જૂનાગઢ તા. ૮
જૂનાગઢ મનપા તંત્રની કામ કરવાની પધ્ધતિને લઈને આજે મોટાભાગનાં વિસ્તારોમાં રસ્તા, ગટર સહીતની સુવિધાઓને ભારે અસર પહોંચી છે. ઠેક ઠેકાણે રસ્તાઓનાં ખોદકામને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક મુશ્કેલી વચ્ચે એક નવતર કિસ્સો પણ સામે આવ્યો છે. આડેધડ ખર્ચામાં માહીર એવી પાલિકા તંત્ર દ્વારા ધોળા દિવસે પણ લાઈટો રસ્તાઓની ચાલુ રાખી દેવાનું સામે આવ્યું છે. જૂનાગઢ શહેરમાં આવેલા હુસેની બિલ્ડીંગ પાસેનાં ચોકની સ્ટ્રીટ લાઈટનાં સર્કલની લાઈટો છે જે ચાલુ જાેવા મળી હતી. એક તરફ દિવસે અજવાળા અને વિવિધ વિસ્તારોમાં રાત્રીનાં સમયે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. મનપાનાં રાજમાં રાત્રે અંધારા અને દિવસે અજવાળા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે લોકો આકરી ટીકા પણ કરી રહયા છે.


