જિલ્લા ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ કુંભકર્ણની નિંદ્રામાં જૂનાગઢ મનપાના ફુડ ઈન્સ્પેકટરો કાગળનો વાઘ

જિલ્લા ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ કુંભકર્ણની નિંદ્રામાં જૂનાગઢ મનપાના ફુડ ઈન્સ્પેકટરો કાગળનો વાઘ

જૂનાગઢ તા.  ૭
જૂનાગઢ સહીત જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમય થયા ભેળસેળીયા અખાદ્ય પદાર્થોનું બેફામ વેચાણ થતું હોવાની વ્યાપક ફરીયાદો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. જેને લઈને ખાણીપીણીનાં શોખીનોનાં આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહયા છે. ત્યારે જૂનાગઢ મનપાનાં ફુડ વિભાગ તેમજ જૂનાગઢ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે. સૌરાષ્ટ્રના લગભગ દરેક શહેરોમાં ભેળસેળીયા તત્વો નફો મેળવવાની દોડમાં લોકોને સસ્તો માલ પધરાવી દઈ અને રોકડી કરી લઈ બેફામ ભેળસેળ કરતા હોવાની બાબત જગ જાહેર છે.
તાજેતરમાં જ રાજકોટ શહેરમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગની  ટીમોએ ચેકીંગ કરી અને પ૦ દિવસમાં ૪૦૬ મણ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે અને ૩૪ પેઢીઓને સીલ કરી દેવામાં આવતા  ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢ શહેર અને જિલ્લાની વાત કરીએ તો  ભેળસેળવાળા પદાર્થોનું ખુલ્લેઆમ અને બેફામ વેચાણ થઈ રહયું છે. કોઈ કહેનાર નથી જેથી ભેળસેળ કરનારાઓને મોજ પડી ગઈ છે. બજારોમાં વેચાતા ખાણી-પીણીનાં વ્યંજનોમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાની બુમ ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરમાં કેટલીક રેસ્ટોરન્ટ, હોટલ, ખાણીપીણીનાં સ્ટોલોમાં ભેળસેળવાળી વાનગીઓ પીરસાઈ છે અને લોકોના આરોગ્ય સાથે ગંભીર રીતે ચેડા થઈ રહયાની ફરીયાદો છે. ચોમાસાના પગલે ભેજમય વાતાવરણ તો કાયમ છવાયેલું રહે છે. દુષીત અને અસ્વચ્છ વાતાવરણને કારણે એકતરફ પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. શરદી, ઉધરસ, તાવ, ઝેરી મેલેરીયાનાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો હોય દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહયા છે. રોગચાળાને કાબુમાં લેવા માટે અસરકારક પગલા ભરવાની તાતી જરૂરીયાત છે. આ સાથે જ બજારોમાં વેચાતા અખાદ્ય પદાર્થોનાં વેચાણ સામે પણ કડક કાર્યવાહીની જરૂર છે. ઠેકઠેકાણે બિલાડીનાં ટોપની માફક ફુટી નીકળેલા ખાણીપીણીનાં સ્ટોલો પરથી વેચાતા ખાણી-પીણીના પદાર્થોનું ચેકીંગ કરવું પડે, તેમજ સ્વચ્છતા રાખવામાં આવે છે કે નહીં? તેની તપાસ થવી જરૂરી છે. કેટલાક ખાણીપીણીનાં સ્ટોલો પર તો માખીઓ બણબણતી હોય, સડેલા શાકભાજી, ભેળસેળવાળા મસાલાનો ઉપયોગ કરી અને ચટાકેદાર વાનગીઓ ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે. એક એવી પણ ફરીયાદ ઉઠવા પામી છે કે, વારંવાર વાપરીને કાળુધબ્બ થઈ ગયેલું ઝેરી તેલ અને વાસી લોટમાંથી બનાવીને વાનગીઓ પીરસવામાં આવી રહી છે. જે જગ્યાએ રસોઈ બનતી હોય ત્યાં પણ સ્વચ્છતાનો સદંતર અભાવ જાેવા મળે છે. વાસી અને ભેળસેળવાળા પદાર્થો, વાનગીઓ આરોગવામાં આવે એટલે આરોગ્યને નુકશાન થવાનું છે જ, ભેળસેળવાળા અખાદ્ય પદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહયા છે. આગામી દિવસોમાં તહેવારો શરૂ થશે ત્યારે પણ તકેદારીનાં ભાગરૂપે ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું અટકાવવુંજ રહયું, ખાસ કરીને દુધ અને મલાઈની બનતી મીઠાઈમાં ભેળસેળ, ચણાનો લોટ, ચટણી, તેલ, વાસી ખોરાક, સડેલા શાકભાજી અને આ બધુ મીક્ષ કરીને બનતી સ્વાદિષ્ટ વાનગીઓ લોકોના આરોગ્ય માટે ખતરારૂપ છે. બજારોમાં વેચાતા અખાદ્ય પદાર્થોને અટકાવવા માટે ડ્રગ અને ફુડ વિભાગ આવેલો છે. પરંતુ જૂનાગઢમાં ફુડ વિભાગની  કોઈ કામગીરી જ ન હોય તેમ લાગે છે. જૂનાગઢ જિલ્લાની મુખ્ય ફુડ એન્ડ ડ્રગ વિભાગ નિંદ્રાધીન અવસ્થામાં રહેલો છે જયારે જૂનાગઢ મનપામાં બે ફુડ ઈન્સ્પેકટરો હોવા છતાં કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી ન હોવાની વ્યાપક ફરીયાદો રહેલી છે. જૂનાગઢ મનપાનાં ફુડ એન્ડ ડ્રગ વિભાગનાં ફુડ ઈન્સ્પેકટરો કાગળના વાઘ સાબીત થઈ રહયા છે. જયારે જૂનાગઢ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ નિંદ્રાધીન જેવી સ્થિતીમાં રહેલ છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં  ઠેકઠેકાણે બેરોકટોક વેચાઈ રહેલા ખાદ્ય પદાર્થોનું તત્કાલ ચેકીંગ કરવામાં આવે અને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરનારા ભેળસેળીયા તત્વો સામે કડક કાર્યવહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

રાજય સરકારે નકલી પનીરનાં વેચાણ પર પ્રતિબંધ મુકયો છે પરંતુ જૂનાગઢ શહેરમાં ફૂડ વિભાગની નજર નીચે એનાલોગ પનીરનું વેચાણ યથાવત
જૂનાગઢ તા. ૭
નકલી પનીર બટર નકલી વેચવા ઉપર રાજય સરકાર દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધનાં કારણે રાજયભરનાં શહેરોમાં આરોગ્ય વિભાગનાં ફુડ તંત્રએ સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે માત્ર જૂનાગઢ શહેરમાં નકલી પનીર અને બટર વેચવામાં આવે છે કે નહીં તે અંગે કોઈ જ કાર્યવાહી સંબંધીત ફુડ વિભાગ દ્વારા કરવામાં આવતી નથી. મનપાનો ફુડ વિભાગ તેમજ જીલ્લા ફુડ વિભાગની આંખ મીચામણાની આ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. શું હપ્તાનું રાજકારણ જૂનાગઢમાં ચાલી રહયું છે કે પછી કોઈ ઉચ્ચ અધિકારીઓનાં ચુપ રહેવાના આદેશને પગલે ફુડ વિભાગ આળસ રાખીને બેઠુ છે તેવો પણ સવાલ ઉઠવા પામેલ છે.
જૂનાગઢ શહેરમાં પણ અન્ય શહેરોની માફક નકલી પનીરનો બેફામ ઉપયોગ થઈ રહયો હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરનારા નકલી પનીર નકલી બટર સામે રોક લગાવવા માટે સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. અને આ પ્રતિબંધ મુકાયા બાદ અસરકારક કામગીરીનાં આદેશો છુટયા છે. પરંતુ જૂનાગઢ શહેર અને જીલ્લાની વાત કરીએ તો મનપાનું ફુડ વિભાગ તેમજ જીલ્લા ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગ કોઈ જાતની કામગીરી દાખવતું નથી અને હાથ જાેડીને બેસી રહયું છે ત્યારે શહેરમાં કે જીલ્લામાં કયાંય પણ પ્રતિબંધીત નકલી પનીર વેચાતુ હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.