જિમમાંથી બહાર આવતાં જ હરિયાણવી એક્ટર અંકિત ભાલિયાન પર ફાયરિંગ, સારવાર દરમિયાન મોત

શામલીમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો; પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળમાં લાગી

જિમમાંથી બહાર આવતાં જ હરિયાણવી એક્ટર અંકિત ભાલિયાન પર ફાયરિંગ, સારવાર દરમિયાન મોત

મુંબઈ, તા.૨૭
ઉત્તર પ્રદેશના શામલીમાં બુધવારે સાંજે હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અભિનેતા અને યુટ્યુબર અંકિત ભાલિયાનની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. શામલી કોતવાલી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં અજાણ્યા હુમલાખોરોએ અંકિત ભાલિયાનને નિશાન બનાવી અચાનક ફાયરિંગ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, અંકિત ભાલિયાન સાંજના સમયે જિમ ગયા હતા. જિમમાંથી બહાર નીકળ્યા બાદ કેટલાક હુમલાખોરોએ તેમના પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. અંધાધૂંધ ફાયરિંગમાં અંકિતને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. ગોળીબારના અવાજથી આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ અંકિતને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
હત્યાની ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળની સુરક્ષા વધારી છે અને આસપાસના લોકો પાસેથી માહિતી મેળવવાની કામગીરી શરૂ કરી છે. હુમલાખોરો અંગે કોઈ ચોક્કસ માહિતી મેળવવા માટે પોલીસે આસપાસના CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે. તપાસ દરમિયાન હુમલાખોરો ઘટનાસ્થળે કઈ રીતે પહોંચ્યા હતા અને કયા માર્ગે ફરાર થયા તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે.
અંકિત ભાલિયાન હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર સક્રિય હતા. ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન’ ગીતથી તેમને ખાસ ઓળખ મળી હતી. વર્ષ ૨૦૨૩માં શામલીમાં યોજાયેલા તેમના રોડ શોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
અંકિત ભાલિયાન મૂળ શામલીના બંતીખેડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે, તેઓ આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની તૈયારી પણ કરી રહ્યા હતા. જોકે, તેમની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
પોલીસ દ્વારા હત્યા પાછળ અંગત અદાવત સહિતના તમામ સંભવિત કારણોને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી મળતા પુરાવા તથા CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોલીસ તપાસ આગળ વધે તેમ હત્યા પાછળનું કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.