અસરાનીની અંતિમ ફિલ્મ ‘હેવાન’ની રિલીઝ પહેલાં ભાવુક થયો અક્ષય કુમાર, શેર કરી યાદગાર ક્લિપ
અક્ષયે લખ્યું- ‘અસરાનીજી, તમે ખૂબ યાદ આવશો’; સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં અને અક્ષય વિલન તરીકે જોવા મળશે, ૧૧ સપ્ટેમ્બરે ફિલ્મ થશે રિલીઝ
મુંબઈ, તા.૭
હિન્દી સિનેમામાં પોતાની આગવી કોમેડી અને યાદગાર પાત્રોથી દાયકાઓ સુધી દર્શકોને મનોરંજન આપનાર દિગ્ગજ અભિનેતા અસરાનીની અંતિમ ફિલ્મ ‘હેવાન’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલાં અક્ષય કુમારે અસરાનીને યાદ કરીને સોશિયલ મીડિયા પર એક ક્લિપ શેર કરી ભાવુક સંદેશ લખ્યો છે.
‘શોલે’માં જેલરના યાદગાર પાત્રથી લઈને અનેક ફિલ્મોમાં પોતાની કોમિક ટાઇમિંગથી અસરાનીએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. તેમના નિધન બાદ હવે ‘હેવાન’ તેમની અંતિમ ફિલ્મ તરીકે દર્શકો સમક્ષ આવશે.
અક્ષય કુમારે શેર કરેલી ક્લિપમાં અસરાની અને શારિબ હાશ્મીના પાત્ર વચ્ચે કોમિક સંવાદ જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકોને અસરાનીની આગવી કોમેડી ફરી યાદ આવી હતી. સાથે જ તેમની અંતિમ ફિલ્મ હોવાના કારણે અનેક ચાહકો ભાવુક પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
અક્ષય કુમારે અસરાનીને યાદ કરતાં જણાવ્યું હતું કે તેમને આ દિગ્ગજ કલાકાર સાથે કામ કરવાની તક મળી અને તેમના જીવનના અંતિમ શોટનું શૂટિંગ જોવાનો અવસર મળ્યો તે તેમના માટે ખાસ છે. અક્ષયે લખ્યું હતું કે, “અસરાનીજી, તમે ખૂબ યાદ આવશો. તમારા જેવું અન્ય કોઈ ન હોઈ શકે.”
‘હેવાન’ એક એક્શન-ક્રાઇમ-થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અક્ષય કુમાર મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યો હોવાનું જણાવાયું છે. અસરાની પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે.
અક્ષય કુમાર અને અસરાનીએ અગાઉ ‘હેરાફેરી’, ‘આવારા પાગલ દીવાના’, ‘ગરમ મસાલા’, ‘દીવાને હુએ પાગલ’, ‘ભાગમભાગ’, ‘વેલકમ’, ‘ભૂલભૂલૈયા’, ‘ખાટ્ટા મીઠા’ અને ‘ભૂત બંગલા’ સહિત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. પ્રિયદર્શન સાથેની તેમની જોડીએ પણ દર્શકોને અનેક યાદગાર કોમેડી ફિલ્મો આપી છે.
અહેવાલ મુજબ અસરાનીનું ગયા વર્ષે ૮૪ વર્ષની વયે નિધન થયું હતું. હવે તેમની અંતિમ ફિલ્મ તરીકે ‘હેવાન’ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.


