મુખ્યમંત્રીના આદેશની પણ અવગણના જૂનાગઢમાં સ્વચ્છતાનો સદંતર અભાવ- વ્યાપક ફરીયાદ
જૂનાગઢ તા. ર૦
જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા બાબતે વ્યાપક ફરીયાદો ઉઠેલી છે અને સ્વચ્છતા અભિયાન કહેવા પુરતું ચાલતું હોવાનાં અહેવાલ મળી રહયા છે. ઐતિહાસિક, ધાર્મિક મહત્વ ધરાવતી નરસિંહ મહેતાની નગરી એવા જૂનાગઢ શહેરમાં પ્રવાસી જનતાનો ધસારો કાયમ રહેતો હોય છે. રાજય સરકારની સીધી દોરવણી હેઠળ શિવરાત્રીનો મહામેળો તાજેતરમાંજ સંપન્ન થયો છે. પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળ્યા છે તો યાત્રાધામ તરીકે પણ જૂનાગઢનું નામ દેશભરમાં ગુંજી રહયુ છે. આવા આપણા શહેર એટલે જૂનાગઢ શહેરની સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન આપવું જ પડશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નરસિંહ મહેતા સરોવરનાં લોકાર્પણ માટે આવ્યા હતા એ વખતે તેઓશ્રીએ ટકોર પણ કરી હતી કે પ્રવાસન અને ધાર્મિક નગરી જૂનાગઢમાં પ્રવાસીઓ મહેમાન બનતા હોય છે. જેથી ખાસ સ્વચ્છતા ઉપર વધુ ધ્યાન દેવાની જરૂર છે તેવી મુખ્યમંત્રીએ ટકોર કરી હતી. પરંતુ તેનુંપણ બરાબર પાલન થતું નથી તેવી ચર્ચા છે. શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં કચરા, ગંદકીની ફરીયાદો રહેલી છે. જેથી શહેરનાં તમામ વિસ્તારોમાં સ્વચ્છતા ઉપર પુરેપુરો ભાર દેવા માંગણી છે.


