મધુરમથી ધોરાજી ચોકડી સુધીનાં માર્ગને પહોળો કરાશે, જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય, કે.જે. હોસ્પીટલનાં દબાણો પર બુલડોઝર ફરી વળશે
શહેરનાં અતિ વિકસીત વિસ્તારમાં બાયપાસ રોડની બંને સાઈડ 22 મીટર જગ્યા ખુલી કરાશે
જૂનાગઢ તા.24
જૂનાગઢ શહેરનાં અતિ વિકસીત મધુરમ ચોકડીથી ધોરાજી ચોકડી સુધીનાં માર્ગ ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા કાર્યવાહી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય તેમજ જાણીતી કે.જે. હોસ્પીટલ અને કેટલીક હોટલોએ માર્જીન છોડયા વિના કરેલા દબાણોની પોલ ખુલવા પામી હતી. અને જે અંગે તંત્ર દ્વારા માર્કીંગ પણ કરવામાં આવેલ છે. અને આગામી સમયમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયાનાં ભાગરૂપે દબાણો ઉપર બુલડોઝર ફરી વળશે તેમ મનાય છે.
આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢનાં અતિ વિકસીત મધુરમ ચોકડીથી ધોરાજી ચોકડી સુધીના બાયપાસ રોડને જૂનાગઢ મનપા અને જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીને સોંપવાની પ્રક્રિયા આખરી તબકકામાં ચાલી રહી છે. જીલ્લા કલેકટરના આદેશ બાદ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા મનપા અને જુડાની ટીમોને સાથે રાખીને દબાણો દૂર કરવાની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સૌથી ચોંકાવનારી વિગત સામે આવી છે કે ખામધ્રોળ ચોકડી પાસે આવેલા જીલ્લા ભાજપ કાર્યાલય દીનદયાલ ભવન ખાતે માર્જીનની જગ્યા છોડવાને બદલે તેમાં બાંધકામ કરી નખાયું છે. એનએચએઆઈના સર્વે મુજબ ભાજપ કાર્યાલયનું એક તરફ 6.3 મીટર અને બીજી તરફ 6 મીટર જેટલું રસ્તા પર દબાણ છે જયાં ઓથોરીટી દ્વારા લાલ રંગથી માર્કીંગ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કે.જે. મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલ દ્વારા પણ 3.1 મીટરનું દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સત્તાધારી પક્ષનાં જ કાર્યાલ પર માર્કીંગ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે. ઓથોરીટીનાં અધિકારીઓના જણાવ્યા અનુસાર મધુરમ ચોકડીથી ધોરાજી ચોકડી સુધીનો રોડ સેન્ટર લાઈન (મધ્ય રેખા)થી બંને તરફ 22.5-22.5 મીટર એટલે કે કુલ 45 મીટરની પહોળાઈ ધરાવે છે. આ 45 મીટરની ત્રિજયામાં આવતા ભાજપ કાર્યાલય, હોસ્પીટલ સહીતનાં તમામ નાના મોટા કાયમી કે અસ્થાયી દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. મામાદેવ મંદિરથી વાડલા ફાટક અને ભેંસાણ ચોકડીથી જ્ઞાન ભારતી સંકુલ સુધીના 30-30 મીટરનાં રસ્તાઓ જુડાને સોંપવામાં આવશે. પ્રથમ દિવસે તંત્ર દ્વારા સામાન્ય અને કાચા દબાણો દૂર કરીને સંબંધિત તમામ આસામીઓને પોતાના દબાણો જાતે જ હટાવી લેવા માટે આખરી સુચના આપી દેવામાં આવી છે. બાયપાસ રોડને રી-સરફેસીંગ કરી સંપૂર્ણપણે દબાણ મુકત કરીને મનપા અને જુડાને સોંપવા માટે કલેકટરે કડક વલણ અપનાવ્યું છે. આ રસ્તા પર આવેલી ભુગર્ભ ગટર, ગેસ લાઈન, પીવાના પાણીની પાઈપ લાઈન સહીતની તમામ નાગરીક સુવિધાઓના નકશા અને ટેકનીકલ વિગતો પણ ત્વરીત જે તે સ્વાયત્ત સંસ્થાને સુપ્રત કરવા માટે કલેકટરે હાઈવે ઓથોરીટીને આદેશ આપ્યો છે. અત્રે નોંધનીય છે કે શહેરનાં ઉપરોકત 11 કિમીનાં હાઈવે પર મોટાભાગની હોસ્પીટલો, ખાણીપીણીની રેકડીઓ, હોટલો, પાર્ટી પ્લોટો, ઓફીસો આવેલી છે. ત્યારે નિયમ મુજબ જે બાંધકામ હશે તે રહેશે બાકીનાં તમામ બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ખળભળાટ મચી જવા પામેલ છે.


