જૂનાગઢમાં આવેલી જુના હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં મનપા તંત્રએ પાણી સપ્લાય બંધ કરી દેતા રહેવાસીઓ દ્વારા ડે. કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ

જૂનાગઢમાં આવેલી જુના હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં મનપા તંત્રએ પાણી સપ્લાય બંધ કરી દેતા રહેવાસીઓ દ્વારા ડે. કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ

જૂનાગઢ તા. 3
જૂનાગઢ શહેરમાં હાજીયાણી બાગ પાસે આવેલ જુના હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં ગઈકાલે કોર્પોરેશન દ્વારા પાણી પુરવઠો બંધ કરી દેવાના પગલે ભારે હાલાકીનો સામનો રહેવાસીઓને કરવો પડયો છે. તાત્કાલીક પાણીની સપ્લાય શરૂ કરવાની માંગણી સાથે આજે હાઉસીંગ બોર્ડનાં રહેવાસીઓ દ્વારા મનપા તંત્રને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજુઆત કરવામાં આવી હતી. હાઉસીંગ બોર્ડનાં રહેવાસીઓ આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
જૂનાગઢ શહેરમાં હાજીયાણી બાગ પાસે આવેલી જુની હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં મકાનોની હાલત ખૂબજ જર્જરીત હોય જેને લઈને કોર્પોરેશન તંત્ર દ્વારા એકાદ વર્ષ પહેલા નોટીસો ફાળવવામાં આવી હતી આ દરમ્યાન ગઈકાલે પાણીની સપ્લાય પણ બંધ કરવામાં આવતા રહેવાસીઓને પીવાના પાણીની મુશ્કેલી સર્જાઈ હતી. ગુજરાત જુની હાઉસીંગ બોર્ડનાં રહેવાસીઓ અને મકાન ધારકોએ વિશાળ સંખ્યામાં મનપા કચેરીએ પહોંચ્યા હતા જયાં ડે. કમીશ્નરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તત્કાલ પાણીની સપ્લાય ચાલુ કરવાની માંગણી કરવામાં આવી હતી આ સાથે જ એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે હાઉસીંગ બોર્ડમાં ગરીબી રેખા નીચે આવતા સંખ્યાબંધ પરીવારો રહે છે તેમજ તંત્ર દ્વારા એક વર્ષ પહેલા નોટીસ પાઠવવામાં આવી હતી જેને લઈને રહેવાસીઓ દ્વારા મકાનનું રીપેરીંગ તેમજ રીનોવેશનની કામગીરી પણ હાથ ધરી છે. કુલ 624 બ્લોક આવેલા છે. વધુમાં મળતી વિગત અનુસાર કેટલાક મકાનોની હાલત વધુ ખરાબ છે પરંતુ મોટાભાગનાં રહેવાસીઓ દ્વારા મકાનનાં રીપેરીંગની કામગીરી ચાલી રહી છે અને ત્યારે જ પાણીની સપ્લાય બંધ થતાં હાઉસીંગ બોર્ડનાં રહેવાસીઓએ એક આવેદનપત્ર પાઠવી પાણીની સપ્લાય ચાલુ કરવાની રજુઆત કરી હતી જેને ડે. કમિશ્નર દ્વારા સાંભળી અને સાંજ સુધીમાં પાણી પુરવઠો પુર્ન: ચાલુ કરી દેવામાં આવશે તેવી હૈયાધારણા આપી છે તેમજ હાઉસીંગ બોર્ડનાં રહેવાસીઓની રજુઆતને ધ્યાને લઈ જર્જરીત મકાન બાબતે પણ યોગ્ય ઉપાય દર્શાવ્યો હતો અને લોકોને જણાવ્યું હતું કે, સરકારશ્રીની રીડેવલપમેન્ટની યોજના ચાલી રહી છે જે યોજના અંતર્ગત તમો પણ અરજી કરી જાેડાવા અને જયારે પણ રીડેવલપમેન્ટ થાય ત્યારે તમોને પણ મકાન ફાળવી શકાય તે માટે કાર્યવાહી કરવા જણાવેલ હતું. આજે અપાયેલા આવેદનપત્રનાં કાર્યક્રમમાં ભાર્ગવ ટાંક, મનોજ જાેષી તેમજ હાઉસીંગ બોર્ડનાં રહેવાસીઓ ઉપસ્થિત રહયા હતા.