જૂનાગઢ મનપાનું રૂા.5 કરોડનું લેગેસી વેસ્ટ કૌભાંડ

ફૂટેજ કે રીપોર્ટની ચકાસણી કર્યા વગર જ કરોડોનાં બીલો મંજુર કર્યાનો આક્ષેપ : જવાબદારો સામે કડક પગલા ભરવા વિપક્ષની માંગ

જૂનાગઢ મનપાનું રૂા.5 કરોડનું લેગેસી વેસ્ટ કૌભાંડ

જૂનાગઢ તા.21
જૂનાગઢ મનપા દ્વારા જુદી જુદી કામગીરીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદો વચ્ચે તાજેતરમાં જ વધુ એક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં રૂા.5 કરોડનું લેગેસી વેસ્ટ કૌભાંડ થયાનો પર્દાફાશ થયો છે. જીપીસીબીની ગાઈડલાઈનનો ભંગ કરીને કચરો ધણફુલીયા ગામની બે ખુલ્લી ખાણોમાં ઠાલવી દેવામાં આવ્યો હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાણી ઉઠી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મનપા દ્વારા ઈવનગર ડમ્પીંગ સાઈડ ખાતેનાં લેગેસી વેસ્ટનાં સાઈન્ટીફીક નીકાલ માટે જય વચ્છરાજ એજન્સીને આશરે રૂા.5 કરોડનું ટેન્ડર આપવામાં આવ્યું હતું તેમજ નિયમ મુજબ કચરામાંથી ખાતર, કાચ, પ્લાસ્ટીક અને કાપડ અલગ કરવાની કામગીરી કરવાની હતી પરંતુ આ એજન્સી દ્વારા એનજીપી અને જીપીસીબીની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરીને આ કચરો ધણફુલીયા ગામની બે ખુલી ખાણોમાં ઠાલવી દેવામાં આવ્યો છે તેમજ કચરા ઉપર માટી ઢાંકી દેવામાં આવી છે અને જેને કારણે વરસાદી પાણી ભળતા આસપાસનાં ખેતરોમાં બોર અને કુવામાં લાલ કેમીકલ વાળું પાણી આવવા લાગ્યું છે. આ વિગત બહાર આવતા ચકચાર જાગી ઉઠી છે. દરમ્યાન વિરોધ પક્ષનાં નેતા લલિત પણસારાએ ગંભીર આક્ષેપો કર્યા છે અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, જય વચ્છરાજ એજન્સીને કાયદાકીય ટેન્ડર પ્રક્રિયા વિના જ કામ આપી અને મનપાનાં પદાધિકારીઓએ મીલીભગત કરી ભ્રષ્ટાચાર કર્યો છે. રૂા.1.06 લાખ અને રૂા.1.29 લાખ મેટ્રીક ટન કચરાના નિકાલનાં નામે નિયમ મુજબ કાર્યવાહી કરવાના બદલે ધણફુલીયાની ખાણોમાં કચરો ઠાલવી દીધો છે જેથી આ સમગ્ર પ્રકરણની તપાસ કરવાની માંગણી કરી છે તેમજ થર્ડ પાર્ટી રીપોર્ટ અને સીસીટીવી ફુટેજની તપાસ કરી આ કૌભાંડમાં સંકળાયેલા તમામ સામે તાતકાલીક કડક પગલા ભરવાની માંગણી વિરોધ પક્ષનાં નેતા લલિત પણસારાએ કરી છે.