શિવરાત્રી મેળાની તડામાર તૈયારી ભવનાથ મહાદેવ મંદિર લાઈટ ડેકોરેશનથી ઝળહળી ઉઠયું
શિવરાત્રીના પર્વે ભવ્ય રવાડી, સરઘસ બાદ સંતોનાં ‘શાહી સ્નાન’ માટે મૃગીકુંડની સફાઈ કરી સ્વચ્છ બનાવાયો : દામોદરકુંડની પણ સફાઈ કરી ભાવિકો માટે નવું શુધ્ધ પાણી ભરાયું
જૂનાગઢ તા. પ
શિવથી જીવનાં મિલનનાં પર્વ એટલે શિવરાત્રીનાં પર્વનો દિવ્ય અવસર, ભગવાન ભોળાનાથ દેવાધીદેવની મહાપૂજાનાં દિવ્ય અવસરને ભાવ ભક્તિભેર ઉજવવામાં આવે છે. આવા આ અવસર ઉપર ભવનાથ તળેટી ખાતે ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં દર વર્ષે યોજાતા શિવરાત્રીનાં મહામેળાને આ વર્ષે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં માર્ગદર્શન હેઠળ ભવ્યાતીભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
શિવરાત્રી મેળાના આયોજનને સફળતા અપાવવા માટે જૂનાગઢ જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાનાં માર્ગદર્શન હેઠળ ભવનાથ મહાદેવ મંદિરનાં વહીવટદાર અને એસડીએમ ચરણસિંહ ગોહીલની દોરવણી હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જીલ્લા વહીવટી તંત્ર, મનપા તંત્ર સહીતનાં વિવિધ વિભાગનાં અધિકારી, પદાધિકારીઓ દ્વારા સતત દેખરેખ રખાઈ રહી છે અને યુધ્ધના ધોરણે શિવરાત્રી મેળાને લગતી કામગીરી ચાલી રહી છે. શિવરાત્રીનાં મેળાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે. ત્યારે તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આ તૈયારીના ભાગરૂપે ભવનાથ મહાદેવ મંદિર તેમજ તળેટી વિસ્તારમાં પણ સુશોભન સહીતની કામગીરી પુરજાેશથી ચાલી રહી છે.
ભવનાથ તળેટીમાં પ્રવેશતા જ દિવાલો ઉપર ભગવાન શિવજીનાં આકર્ષક, નયનરમ્ય મહાદેવની વિવિધ મુદ્રાનાં દર્શન કરાવતા ચિત્રો જાેવા મળે છે તેમજ ભવનાથમાં પગ મુકતા જ શિવમય માહોલ બની જાય છે અને ભાવિકોને સાક્ષાત ભગવાન શિવજીનાં દર્શનની અનુભુતી થાય તેવો અલૌકિક શણગાર, ચિત્રો મુકવામાં આવ્યા છે. શિવરાત્રી મેળાની શરૂઆત જયાંથી કરવામાં આવે છે તેવા લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર ભવનાથ મહાદેવ મંદિરને અનેરી સજાવટ કરવામાં આવી છે. શિવરાત્રીનાં મેળાને અતિ ભવ્ય અને દિવ્ય બનાવવા માટે કલેકટર અનીલકુમાર રાણાવસીયાનાં માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે. તેમજ આ કામગીરીના ભાગરૂપે મેળાનાં અધિકારી તરીકે જેમને જવાબદારી સોંપવામાં આવે છે તેવા કાર્યદક્ષ અને નિષ્ઠાવાન અધિકારી એસડીએમ ચરણસિંહ ગોહીલ દ્વારા ખુબજ સરસ કામગીરી થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, ભવનાથ મહાદેવ મંદિરનાં વહીવટદાર તરીકે જૂનાગઢનાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે ગત તા.૧-૭-રપ ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. વહીવટદાર તરીકે નિયુક્તિ થયા બાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે ભવનાથ મંદિરમાં આવનાર શ્રધ્ધાળુઓ, ભાવિકોને કોઈ જાતની અગવડતા ન પડે તે માટે અનેકવિધ પગલાઓ લીધા તેમજ દામોદરકુંડની સફાઈની કામગીરી હાથ ધરાઈ અને આસ્થાના કેન્દ્ર દામોદરકુંડને સ્વચ્છ બનાવ્યો. ભવનાથ મંદિર હેઠળ આવતી જગ્યા મૃચકુંદ ગુફાની જગ્યાનો પણ વહીવટ સંભાળ્યો દરમ્યાન આગામી તા.૧૧ થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન શિવરાત્રીનો મેળો યોજાનાર છે. ત્યારે શિવરાત્રીનાં મેળાનાં આયોજનમાં મહત્વની કામગીરી સંભાળી રહયા છે. ભવનાથ મંદિરને કલર કામ કરાવી નવો ઓપ અપાયો છે. ઉપરાંત ભાવિકો, શ્રધ્ધાળુઓ માટે પણ અગવડતા ઉભી કરે છે. ભવનાથ મંદિરને લાઈટ સિસ્ટમ સાથે શણગારવામાં આવેલ છે. તેમજ સાઉન્ડ સિસ્ટમ પણ ફીટ કરવામાં આવી છે. આ ઉપરાંત સંતોનાં માટે મૃગીકુંડને સ્વચ્છ બનાવી અને ‘શાહી સ્નાન’ માટેની તૈયારીનાં ભાગરૂપે સ્વચ્છ બનાવેલ છે. આ ઉપરાંત ભવનાથ મંદિરથી દુર વાહન પાર્કિંગની વ્યવસ્થા તેમજ અહીં આવનારા ભાવિકોને માટે પગરખા, ચંપલ રાખવા માટે ખાસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે તેમજ રેલીંગ પણ બનાવવામાં આવી છે. શિવરાત્રી મેળાની તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ રહયો છે. સાથે જ ભવનાથ મહાદેવ મંદિરનાં વહીવટદાર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ દ્વારા ભવનાથ મંદિરના વિકાસ, ભાવિકોની સગવડતા માટેના પગલા સહીતની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.


