નવુ શૈક્ષણિક સત્ર શરૂ થતા જ સ્કુલ ફી - યુનિફોર્મ , પાઠય પુસ્તકો, પરીવહન, સહીતના કમ્મરતોડ ખર્ચા : ભાર વિનાના ભણતરને ‘મોંઘવારી’નો ડામ

બાળકોને ભણાવવા કેમ ? વાલીઓની ચિંતા

નવુ શૈક્ષણિક સત્ર શરૂ થતા જ સ્કુલ ફી - યુનિફોર્મ , પાઠય પુસ્તકો, પરીવહન, સહીતના કમ્મરતોડ ખર્ચા : ભાર વિનાના ભણતરને ‘મોંઘવારી’નો ડામ

જૂનાગઢ તા. 29
રાજયમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાને હવે વધારે દિવસો નથી પરંતુ શૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે જ વિદ્યાર્થીઓ, વાલીઓની ચિંતામાં વધારો થવાનો છે કારણ કે ભાર વિનાનાં ભણતરને હવે મોંઘવારીનો કાટ લાગી જતાં બાળકોને યોગ્ય શિક્ષણ કેમ પુરૂ પાડવું તે ચિંતાનો પ્રશ્ન રહયો છે. રોજે રોજ વિવિધ ક્ષેત્રે મોંઘવારીનાં દર્શન થતાં જ રહે છે. પેટ્રોલ - ડીઝલ, રાંધણગેસ, સીએનજી, દૂધ, સીંગતેલ સહિતની વસ્તુઓ ગણાવવા બેસીએ તો તેનું લીસ્ટ ખૂબ લબુ બની જાય છે. ટુંકમાં આજે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં દિવસે ને દિવસે ભાવો વધી રહયા છે ત્યારે ફાટી નીકળેલી મોંઘવારીને કારણે જીવન ખૂબજ મુશ્કેલ બની ગયું છે.
મોંઘવારીએ સામાન્ય માણસની કેડ ભાંગી નાંખી છે તેમ કહીએ તો જરાય ખોટું નથી. કપરા સમયમાં જયાં પણ નજર નાખો ત્યાં દરેક બાજુથી મોંઘવારી, મોંઘવારીની ચીસો સંભળાઈ રહી છે, માણસ રોજે રોજ અખબારના પાના ખોલે કે ન્યુઝચેનલ, સોશિયલ મીડીયામાં અુકજ બાબત ઉપર સૌપ્રથમ ધ્યાન કેન્દ્રીત થતું હોય છે. ઈરાન - અમેરીકા, ઈરાક વચ્ચે ચાલતા યુધ્ધનાં અહેવાલો ઉપરાંત  પેટ્રોલ - ડીઝલ, રાંધણગેસની અછત અને સતત વધી રહેલા ભાવોને કારણે રસોડા સુધી તેની અસર પહોંચી ગઈ છે. દરમ્યાન એક તરફ ડીઝલની અછત અને ખેડૂતોને પુરતા પ્રમાણમાં પુરવઠો મળતો નથી તેની કાગારોળ છે. બીજી તરફ ડીઝલની અછતને કારણે ટ્રાન્સપોર્ટેશનનાં વ્યવસાય ઉપર પણ અસર પડી છે. ટ્રાન્સપોર્ટેશન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનાં જણાવ્યા અનુસાર કાં તો તેમને ભાડાનો વધારો કરવોપડે કાં તો ધંધો બંધ કરવો પડે તેવી ગંભીર સ્થિતિ જાેવા મળી રહી છે.
આ સાથે જ મોંઘવારીની સૌથી વધુ અસર જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઉપર જાેવા મળે છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા જેતે માલની આવકને અસર થતાં અથવા નવા વધેલા ભાડામાં પરીવહન કરવું પડે અને જેની સીધી અસર જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ પર પડી છે. પરીવહનનો ખર્ચ વધ્યો તો વિવિધ ક્ષેત્રમાં પણ ભાવ વધારો આવી ગયો, સરવાળે આજે કારમી મોંઘવારીના યુગમાં જન જીવન પ્રભાવિત બની ચુકયું છે અને ત્યાં જ હવે શાળા - કોલેજાેમાં ઉનાળુ વેકેશન પુરૂ થવામાં છે અને ખૂબજ નજીકના દિવસોમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા જઈ રહયું છે ત્યારે બાળકોને ભણાવવાનો ખર્ચ વધુ આકરો બને તેવા સંજાેગો સર્જાયા છે. આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ બાળકો, વિદ્યાર્થીઓને સારી સ્કૂલ, કોલેજમાં એડમીશન અપાવવાથી લઈ શાળાની ફી, અભ્યાસના પુસ્તકો, સ્કુલ યુનિફોર્મ, ટયુશન ખર્ચ તેમજ નોટબુક, પાઠયપુસ્તકો સહિતની સ્ટેશનરીનો ખર્ચ અને પેટ્રોલ - ડીઝલના વધી રહેલા ભાવોને કારણે શાળા - કોલેજે જતા બાળકો - વિદ્યાર્થીઓનો પરીવહનનો ખર્ચ વધે તેવા નિર્દેશો મળી રહયા છે ત્યારે આગામી દિવસોમાં જ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે વિદ્યાર્થી, વાલીઓ માટે મુશ્કેલી વધારનારૂ રહેશે અને તેને લઈને વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. ફાટી નીકળેલી મોંઘવારીમાં બાળકને યોગ્ય શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી દિવસે દિવસે કપરૂ બની રહયું છે અને ભાર વિનાનું ભણતરને મોંઘવારીનો ડામ લાગી રહયો હોય તેવો ઘાટ સર્જાયો છે.