ભવનાથ અને અંબાજી મંદિર ધાર્મિક અને આવકની દ્રષ્ટીએ પણ મહત્વનું ધર્મસ્થાન
બંને ધર્મ સ્થાનો પર હાલ વહીવટદાર શાસન : મહંત પદની નિમણુંક કયારે ? : સંબંધીતોની મીટ
જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ શહેર અને ભવનાથ તેમજ ગીરનાર ક્ષેત્રમાં અનેક પાવનકારી ધર્મ સ્થાનો આવેલા છે. ભવનાથ તળેટીમાં જ પુરાણ પ્રસિધ્ધ સ્વયંભુ ભવનાથ મહાદેવ બિરાજે છે ઉપરાંત ગીરનારની ટોચ ઉપર પાંચ હજાર પાંચસો પગથીયા ઉપર જગતજનની માં અંબાજી માતાજીનાં બેસણા છે. લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર એવા ભવનાથ મંદિર તેમજ અંબાજી માતાજીનાં દર્શને વર્ષ દરમ્યાન લાખો ભાવિકો આવતા હોય છે અને યથાયોગ્ય શકિત પ્રમાણે બંને ધર્મ સ્થાનોમાં પ્રસાદ તેમજ રૂા. ૧૦, રૂા. પ૦, રૂા. ૧૦૦ જેવી ભેટ પણ ધરતા હોય છે. સોરઠ અને જૂનાગઢનાં આ બંને ધર્મ સ્થાનો ધાર્મિક રીતે પણ મહત્વનાં છે અને આવકની દ્રષ્ટીએ પણ અત્યંત મહત્વ ધરાવે છે ત્યારે આ બંને ધર્મ સ્થાનો ઉપર હાલ વહીવટદાર શાસન છે. અને મહંત પદની કયારે નિમણુંક થશે તે અંગે રાહ જાેવાઈ રહી છે.
ભવનાથ તળેટીમાં તાજેતરમાં જ મહાશિવરાત્રીનો મેળો પાંચ દિવસનો યોજવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ મેળામાં ૧૦ લાખ ઉપરાંત ભાવિકો ઉમટી પડયા હતાં. તેમજ મેળામાં આવેલા શ્રધ્ધાળુઓએ ભવનાથ મંદિર તેમજ અંબાજી માતાજીનાં મંદિરે પણ દર્શનનો લાભ લીધો હતો. એક અંદાજ પ્રમાણે મેળામાં આવેલા મોટાભાગનાં શ્રધ્ધાળુઓએ આ બંને ધર્મ સ્થાનોમાં દર્શન કર્યા હતાં અને ધન્યતા અનુભવી હતી. ગીરનાર ઉપર બિરાજતા અંબાજી મંદિરનાં મહંત પૂ. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહંત પદની નિમણુંકનો વિવાદ થતાં વહીવટદાર શાસન આવ્યું છે. અને આજની તકે વહીવટદાર કાર્યરત છે. જયારે ભવનાથ મહાદેવ મંદિરનાં મહંત હરીગીરીની મુદત પૂર્ણ થયાનાં એક દિવસ પહેલા જ તેમને સસ્પેન્ડ કરી નખાયા હતાં. અને તા. ૧-૭-ર૦રપથી વહીવટદાર શાસન કાર્યરત છે. અત્રે ઉલ્લેનીય છે કે અંબાજી મંદિરનાં મહંતની નિમણુંક માટેની કાર્યવાહી છ માસ પહેલા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. અને મહંત પદનાં દાવેદારોની અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. કુલ ૧૮ દાવેદારોએ મહંત બનવા માટેની પોતાની દાવેદારી નોંધાવી છે અને જે બાબતે પણ સારો એવો સમય થયો છે. તેમ છતાં હજુ તંત્ર દ્વારા આગામી કાર્યવાહી હાથ ધરાઈ નથી. અંબાજી મંદિરનાં મહંત પદનો મામલો તેમજ ભવનાથ મંદિરનાં મહંત પદની નિમણુંક માટેની કાર્યવાહી કયારે થશે તે ઉપર સંબંધી તમામની મીટ રહેલી છે. દરમ્યાન શિવરાત્રી મેળાની કામગીરીમાં રોકાયેલું તંત્ર આ મેળો પૂર્ણ થતાં હવે નિરાતં અનુભવી રહયું છે ત્યારે અંબાજી મંદિરનાં મહંતની નિમણુંકનો પ્રશ્ન હાથમાં લે તેમજ ભવનાથ મહાદેવ મંદિરનાં મહંત પદની નિમણુંક માટેની કામગીરી પણ વહેલી તકે શરૂ થાય તેવી લાગણી પ્રવર્તી રહી છે. વહીવટી તંત્રનાં આગામી પગલા ઉપર સંબંધીત તમામની મીટ રહેલી છે.


