'રામાયણ'થી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે સુરભી દાસ, સીતાની નાની બહેન શ્રુતકીર્તિની ભૂમિકામાં આવશે નજરે

નોર્થ ઈસ્ટથી મુંબઈ સુધીની સફર બાદ ઓપન ઓડિશનથી મળી નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મમાં તક, વધુ બે ફિલ્મો પણ પાઈપલાઈનમાં

'રામાયણ'થી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે સુરભી દાસ, સીતાની નાની બહેન શ્રુતકીર્તિની ભૂમિકામાં આવશે નજરે

મુંબઈ તા.3
'રામાયણ' જેવી ભવ્ય અને બહુપ્રતીક્ષિત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મના મુખ્ય પાત્રો ઉપરાંત અન્ય કલાકારો પણ ચર્ચામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું નામ છે અભિનેત્રી સુરભી દાસ, જે આ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પોતાની શરૂઆત કરવા જઈ રહી છે. ફિલ્મમાં સુરભી સીતાની સૌથી નાની બહેન શ્રુતકીર્તિનું મહત્વપૂર્ણ પાત્ર ભજવતી જોવા મળશે.
એક મુલાકાત દરમિયાન સુરભી દાસે જણાવ્યું કે આ ફિલ્મ સુધી પહોંચવાનો તેમનો પ્રવાસ સરળ નહોતો. તેમણે પ્રખ્યાત કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા પાસે ઓડિશન આપ્યું હતું. ઓડિશન બાદ લગભગ બે મહિના સુધી કોઈ જવાબ ન મળતાં તેઓ નિરાશ થઈ ગયા હતા. ત્યારબાદ અચાનક ફોન આવ્યો અને ફિલ્મ માટે તેમની પસંદગી થઈ હોવાનું જાણવા મળ્યું. ત્યાર પછી લૂક ટેસ્ટ અને કોસ્ચ્યુમ ટ્રાયલ થયા, પરંતુ તેમને વિશ્વાસ જ નહોતો થતો કે તેઓ આટલી મોટી સ્ટારકાસ્ટ સાથે કામ કરવા જઈ રહ્યા છે.
સુરભીએ જણાવ્યું કે તેઓ કોઈ ફિલ્મી પરિવારમાંથી આવતા નથી. તેથી દરેક તક માટે સતત ઓપન ઓડિશન આપવું પડતું હતું અને કાસ્ટિંગ ડાયરેક્ટર્સ સાથે સતત સંપર્કમાં રહેવું પડતું હતું. તેમના મતે આ સંઘર્ષ નહીં પરંતુ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં ધીરજ અને મહેનત સૌથી મહત્વપૂર્ણ છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે ફિલ્મમાં તેઓ ઊર્મિલા નહીં પરંતુ શ્રુતકીર્તિનું પાત્ર ભજવી રહ્યા છે, જે સીતાની સૌથી નાની બહેન છે. તેમણે કહ્યું કે, "રામાયણ જેવી ભવ્ય ફિલ્મનો ભાગ બનવું મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે. ભલે મારો રોલ નાનો હોય, પરંતુ આ તક મારા માટે અત્યંત ખાસ છે."
સુરભી દાસ મૂળ નોર્થ ઈસ્ટ ભારતની છે અને ટેલિવિઝનમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. તેમણે અગાઉ 'નીમા ડેન્ઝોંગપા' અને 'પંડયા સ્ટોર' જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ત્યારબાદ તેમણે ટેલિવિઝનથી થોડો વિરામ લઈને ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેના પરિણામે તેમને 'રામાયણ' જેવી મોટી ફિલ્મમાં તક મળી.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે હાલમાં તેમની પાસે વધુ બે ફિલ્મો પણ પાઈપલાઈનમાં છે. તેમાં 1971ના યુદ્ધ પર આધારિત એક ફિલ્મ તેમજ વિકાસ બહલની આગામી ફિલ્મ 'દિલ કા દરવાજા ખોલના ડાર્લિંગ'નો પણ સમાવેશ થાય છે. સુરભીનું કહેવું છે કે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે કે તેમને લાંબા સમય સુધી કામ વગર બેસવું પડ્યું નથી અને સતત નવી તકો મળતી રહી છે.
'રામાયણ'માં મળેલી આ તક સુરભી દાસના ફિલ્મી કરિયરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ શકે છે. ટેલિવિઝનથી લઈને મોટા પડદા સુધીની તેમની સફર અનેક નવા કલાકારો માટે પ્રેરણારૂપ બની રહી છે.