આવતીકાલથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ : કલેકટરના હસ્તે ધ્વજારોહણ થશે

ભરડાવાવ ખાતે મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો એકત્રીત થશે અને વાજતે ગાજતે ધ્વજારોહણ યાત્રાનું પ્રસ્થાન કરાશે : સવારે ૯ કલાકે ધ્વજારોહણ

આવતીકાલથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ : કલેકટરના હસ્તે ધ્વજારોહણ થશે

જૂનાગઢ તા.૧૦
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ખાતે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી શિવરાત્રીના મહામેળાનો શુભારંભ થનાર છે ત્યારે મેળો શરૂ થાય તે પહેલા  આજે અંતિમ તૈયારીના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કયાયપણ કોઈપણ જાતની કચાસ ન રહે તે માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આવતીકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાના હસ્તે ધ્વજારોહણ કર્યા બાદ શિવરાત્રીના મેળાનો પ્રારંભ થનાર છે.
દરમ્યાન જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ આવતીકાલ તા.૧૧ ફેબ્રુઆરીથી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારા શિવરાત્રીના મહામેળા માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહાવદ ૯ આવતીકાલ તા.૧૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૭.૩૦ કલાકે જૂનાગઢ જીલ્લાના મહાનુભાવો, વરીષ્ઠ અધિકારીઓ, પદાધીકારીઓ, કર્મચારીઓ  અને નગરજનો ભરડાવાવ ખાતે એકત્રીત થશે અને વાજતે ગાજતે ધ્વજારોહણ પદયાત્રા પ્રસ્થાન થશે. સવારે ૯ કલાકે ભવનાથ મહાદેવને શાસ્ત્રોક્ત વીધી સાથે ધ્વજારોહણ કરવામાં આવશે. ભવનાથ મહાદેવ મંદિર ખાતે પપ કિલોનો ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવેલો છે તેના પર પ્રથમવખત ધ્વજારોહણ કરવામાં આવશે. શિવરાત્રીના પાંચ દિવસના મેળાનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.