એક દાયકા બાદ ફરી સામસામે આવ્યા કંગના રણૌત અને હૃતિક રોશન, સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ ગરમાયો

કંગનાએ સબા આઝાદનો ઉલ્લેખ કરી હૃતિક પર સાધ્યું નિશાન, 2016ના ચર્ચિત વિવાદની યાદો ફરી તાજી થઈ

એક દાયકા બાદ ફરી સામસામે આવ્યા કંગના રણૌત અને હૃતિક રોશન, સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ ગરમાયો

મુંબઈ તા.03
અભિનેત્રી કંગના રણૌત અને અભિનેતા હૃતિક રોશન વચ્ચેનો વર્ષો જૂનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર થયેલી તાજેતરની પોસ્ટ બાદ બંને વચ્ચે ફરીથી શાબ્દિક ટકરાવ જોવા મળ્યો છે, જેના કારણે 2016નો ચર્ચિત વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક રાજકીય પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતાં કહ્યું કે કંગના તેમને એટલા માટે નિશાન બનાવે છે કારણ કે તેઓ થોડા ઘણા હૃતિક રોશન જેવા દેખાય છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર "હૃતિક માફી માગો" જેવા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા.
આ ટ્રેન્ડ અંગે લેખક ફ્રેડી બર્ડીની પોસ્ટ પર હૃતિક રોશને એક ટિપ્પણી કરી હતી. તેમણે કોઈનું નામ લીધા વગર લખ્યું કે માત્ર કોઈ વ્યક્તિ પસંદ ન હોવાને કારણે તેનો વિરોધ કરવો સમાજની એક જૂની સમસ્યાનું પ્રતિબિંબ છે અને યોગ્ય સમય આવ્યે તેઓ વધુ વાત કરશે.
હૃતિકે સીધું કંગનાનું નામ લીધું નહોતું, છતાં કંગનાએ આ ટિપ્પણીને પોતાને સંબોધિત માની હતી. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરીને હૃતિકને સંબોધતા લખ્યું કે તેઓ હાલમાં અભિનેત્રી સબા આઝાદ સાથે કમિટેડ રિલેશનશિપમાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ મહિલાને આડકતરી રીતે નિશાન બનાવવું યોગ્ય ગણાય. કંગનાએ એવો પણ દાવો કર્યો કે તેમની સામે થતા હુમલાનો વિરોધ કરવાના બદલે હૃતિક પરિસ્થિતિને વધુ ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે.
આ નવી સોશિયલ મીડિયા અથડામણ બાદ બંને કલાકારો વચ્ચે વર્ષ 2016માં થયેલો ચર્ચિત વિવાદ ફરી યાદ કરવામાં આવી રહ્યો છે. તે સમયે કંગના રણૌતે હૃતિક રોશન પર ગંભીર વ્યક્તિગત આક્ષેપો કર્યા હતા, જ્યારે હૃતિકે કંગના તરફથી મોટી સંખ્યામાં ઇમેઇલ્સ મળ્યાનો દાવો કર્યો હતો. આ મામલો પોલીસ અને કોર્ટ સુધી પહોંચ્યો હતો.
પછી વર્ષ 2017માં મુંબઈ પોલીસે ઉપલબ્ધ પુરાવાના આધારે કેસમાં આગળ કાર્યવાહી ન કરતાં તપાસ બંધ કરી દીધી હતી. જોકે, હવે સોશિયલ મીડિયા પર શરૂ થયેલા નવા વિવાદને કારણે બંને વચ્ચેનો જૂનો મતભેદ ફરી ચર્ચામાં આવી ગયો છે.