આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે પાંચમા કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.ર૩
ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરી તેમની સિદ્ધિઓને બિરદાવવાના હેતુથી આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે તા.૨૧-૧૧-૨૦૨૬ના રોજ ૫મા કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી પરશોત્તમભાઈ રૂપાલા (રાજકોટ લોકસભા સાંસદ) તેમજ કોર્પોરેટર શ્રી નિલેશભાઈ હેરભા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના આચાર્યશ્રી, અધિકારીઓ, સ્ટાફગણ, તાલીમાર્થીઓ તથા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન વિવિધ ટ્રેડમાં તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. સાથે જ સંસ્થામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર આઈ.ટી.આઈ.ના ટોપર્સનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનઓએ તાલીમાર્થીઓને સંબોધન કરતાં કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવ્યું હતું તથા આજના સ્પર્ધાત્મક યુગમાં ટેકનિકલ જ્ઞાન, વ્યવહારુ કૌશલ્ય અને મહેનતના આધારે રોજગારી તથા સ્વરોજગારીની નવી તકો પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી. કૌશલ દીક્ષાંત સમારોહ યુવાનોને તેમના કૌશલ્ય અને સિદ્ધિઓ માટે પ્રોત્સાહિત કરવાની સાથે દેશના કૌશલ્યવાન માનવબળના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. કાર્યક્રમના અંતે આચાર્ય ઉપસ્થિત મહેમાનો, વાલીઓ, તાલીમાર્થીઓ અને કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


