૧૪ વર્ષ પછી પાસપોર્ટ ફીમાં ૬૭ ટકાનો જંગી વધારો કરાયો

૧૪ વર્ષ પછી પાસપોર્ટ ફીમાં ૬૭ ટકાનો જંગી વધારો કરાયો

(એજન્સી)       નવી દિલ્હી તા.૧:
સરકારે શુક્રવારે લોકસભામાં માહિતી આપી કે પાસપોર્ટ ફીમાં તાજેતરનો ૬૭% વધારો ૧૪ વર્ષના સમયગાળા પછી થયો છે. વિદેશ રાજ્ય મંત્રી કીતિર્ વર્ધન સિહે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે પાસપોર્ટ ફીમાં છેલ્લો ફેરફાર ૨૦૧૨માં કરવામાં આવ્યો હતો. છેલ્લા ૧૪ વર્ષમાં વિવિધ ઇનપુટ અને સેવા વિતરણ ખર્ચમાં થયેલા વધારાને કારણે આ સુધારો જરૂરી બન્યો છે.
સરકારે તાજેતરમાં પાસપોર્ટ નિયમો, ૧૯૮૦માં સુધારો કરીને પાસપોર્ટ ફીમાં સુધારો કર્યો છે. આ અંતર્ગત, નવા ૩૬ પાનાના સ્ટાન્ડર્ડ પાસપોર્ટ માટેની અરજી ફી રૂ.૧,૫૦૦ થી વધારીને રૂ.૨,૫૦૦ કરવામાં આવી છે. નવા નિયમો ૧ જુલાઈ, ૨૦૨૬ થી અમલમાં આવશે. મંત્રીએ જણાવ્યું કે પાસપોર્ટ ફી અને સંબંધિત સેવાઓ પૂરી પાડવાના ખર્ચ, કાર્યકારી આવશ્યકતાઓ અને સેવા વિતરણ પદ્ધતિઓમાં સુધારાની વ્યાપક સમીક્ષા પછી સમયાંતરે સુધારવામાં આવે છે. રાજ્યમંત્રીએ જણાવ્યું કે પાસપોર્ટ ફી ૧૯૭૧, ૧૯૮૦, ૧૯૯૩, ૨૦૦૨ અને ૨૦૧૨માં સુધારવામાં આવી હતી, અને આ સુધારો હવે ૨૦૨૬ માં કરવામાં આવ્યો છે.