ર૦૩૦માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ કરશે : ગૌરવની બાબત
ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન સોંપવામાં આવી
ગ્લાસગો તા.૩ :
ગ્લાસગો: ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬નો રંગારંગ સમાપન સમારોહ ભારત માટે એક નવા અને ઐતિહાસિક અધ્યાયની શરૂઆત બની ગયો છે. ૧૧ દિવસ સુધી ગ્લાસગોમાં રમાયેલા રમતોત્સવના સફળ આયોજન બાદ સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે. હવે સમગ્ર વિશ્વની નજરો વર્ષ ૨૦૩૦ના શતાબ્દી સંસ્કરણ પર રહેશે, જેની યજમાની ગુજરાતનું અમદાવાદ શહેર કરશે. અમદાવાદમાં ૨૦૩૦ની યજમાની સાથે ભારત એક નવો ઇતિહાસ પણ રચશે. ઓસ્ટ્રેલિયા પછી ભારત એવો બીજો દેશ બનશે જે એક કરતાં વધુ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. આ અગાઉ ભારતે વર્ષ ૨૦૧૦માં નવી દિલ્હી ખાતે આ રમતોત્સવનું સફળ આયોજન કર્યું હતું. ર૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસીક ઉજવણી કરવામાં આવશે. જેની યજમાની અમદાવાદ કરવાનું હોય તમામ ગુજરાતીઓ અને ભારતીયો માટે ગૌરવની બાબત છે.
સમાપન સમારોહમાં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર જેસ્મિન લંબોરિયા ભારતના ધ્વજવાહક બન્યા હતા. લોર્ડ પ્રોવોસ્ટ જેક્લીન મેકલેરેને આ ધ્વજ કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ઉપાધ્યક્ષ સુસાન જેક્સન, સ્કોટિશ નેટબોલ ખેલાડી એમિલી નિકોલ, કોમનવેલ્થ સ્પોર્ટના અધ્યક્ષ ડો. ડોનાલ્ડ રુકારે, બે વખતના ઓલિમ્પિક મેડાલિસ્ટ નીરજ ચોપરા અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાને આપ્યો હતો. ત્યારબાદ આ ધ્વજ આખરે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીએ ધ્વજ સ્વીકારવાની સાથે જ સ્કોટલેન્ડ તરફથી ભારતને યજમાનીની જવાબદારી સત્તાવાર રીતે સુપ્રત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓએ ૧૩ ગોલ્ડ, ૧૭ સીલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૩૯ મેડલ મેળવીને ભારત મેડલની ટેલીમાં ચોથા સ્થાને રહ્યું છે.


