દીકરીની યાદમાં વિજય એન્ટનીએ લીધો અનોખો નિર્ણય, વર્ષોથી નથી પહેરતા જૂતાં
દીકરી મીરાના નિધન બાદ અભિનેતાએ ફૂટવેર પહેરવાનું લગભગ છોડી દીધું, આજે પણ પહેરે છે દીકરીની છેલ્લી ઘડિયાળ; પત્ની ફાતિમાએ કર્યો ભાવુક ખુલાસો
મુંબઈ, તા. 21
દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટની આજે પણ પોતાની દીકરી મીરાના નિધનનું દુઃખ હૃદયમાં સંઘરીને જીવી રહ્યા છે. તાજેતરમાં તેમની આગામી ફિલ્મ ‘અપ્પા કુટ્ટી’ના પ્રમોશન કાર્યક્રમમાં પત્ની ફાતિમાએ વિજયના જીવન સાથે જોડાયેલી કેટલીક ભાવુક વાતો જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે દીકરી મીરાની યાદમાં વિજયે જૂતાં-ચંપલ પહેરવાનું લગભગ છોડી દીધું છે. એટલું જ નહીં, તેઓ આજે પણ મીરાએ છેલ્લે પહેરેલી ઘડિયાળ પોતાની સાથે રાખે છે.
‘અપ્પા કુટ્ટી’ના પ્રમોશન માટે વિજય એન્ટની પત્ની ફાતિમા અને નાની દીકરી લારા સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ફાતિમાએ ત્રણ વર્ષ પહેલાં મોટી દીકરી મીરાના નિધન બાદ પરિવારના જીવનમાં આવેલા બદલાવ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે વિજય આજે પણ મીરા સાથે જોડાયેલી વસ્તુઓને ખૂબ જ સાચવીને રાખે છે અને તેની યાદો તેમના રોજિંદા જીવનનો હિસ્સો બની ગઈ છે.
ફાતિમાના જણાવ્યા અનુસાર, મીરા માટે વિજયે વર્ષો સુધી લંડન, અમેરિકા સહિત અનેક દેશોમાંથી મોટી સંખ્યામાં જૂતાં અને ચંપલ ખરીદ્યાં હતાં. તેમની પાસે ફૂટવેરનો એટલો મોટો સંગ્રહ થઈ ગયો હતો કે ઘરના એક આખા રૂમમાં માત્ર મીરાનાં જૂતાં-ચંપલ રાખવામાં આવ્યાં હતાં. આ સંગ્રહ જોયા બાદ વિજયે નક્કી કર્યું કે હવે તેઓ પોતે જૂતાં કે ચંપલ પહેરશે નહીં. ત્યારથી તેઓ ખાસ પ્રસંગો સિવાય ફૂટવેર પહેરવાનું ટાળે છે. ફાતિમાએ જણાવ્યું કે વિદેશમાં યોજાતા કેટલાક ખાસ કોન્સર્ટ દરમિયાન જ વિજય જૂતાં પહેરે છે.
દીકરીની યાદ સાથે જોડાયેલી બીજી એક વાતનો પણ ફાતિમાએ ખુલાસો કર્યો હતો. વિજય પાસે અનેક મોંઘી ઘડિયાળો હોવા છતાં હવે તેઓ માત્ર એક જ ઘડિયાળ પહેરે છે. આ ઘડિયાળ છેલ્લે તેમની દીકરી મીરાએ પહેરી હતી. મીરાના નિધન બાદથી વિજયે આ ઘડિયાળ ઉતારી નથી. તેમના માટે આ માત્ર એક ઘડિયાળ નહીં, પરંતુ દીકરી સાથે જોડાયેલી અમૂલ્ય યાદ છે.
આ કાર્યક્રમમાં ફાતિમાએ પોતાના બાળપણના સંઘર્ષ વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ માત્ર સાત વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા પરિવાર છોડીને જતા રહ્યા હતા. વર્ષો બાદ પતિ વિજય એન્ટની પાસેથી તેમને એવો જ પ્રેમ અને ભાવનાત્મક સહારો મળ્યો, જેની તેમને બાળપણથી જરૂર હતી. ફાતિમાએ વિજયને પોતાના જીવનમાં પ્રેમ અને હૂંફ આપનાર વ્યક્તિ ગણાવ્યા હતા.
મીરાના નિધન બાદ લાંબા સમય પછી વિજય, ફાતિમા અને તેમની નાની દીકરી લારા એકસાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યાં હતાં. ફાતિમાની વાતોથી પરિવારના દુઃખ અને એકબીજા પ્રત્યેના લાગણીસભર સંબંધોની ઝલક જોવા મળી હતી. ‘અપ્પા કુટ્ટી’ ફિલ્મ પણ પિતા અને દીકરીના સંબંધની લાગણીઓ પર આધારિત હોવાનું જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે 19 સપ્ટેમ્બર, 2023ના રોજ ચેન્નઈ સ્થિત નિવાસસ્થાને 16 વર્ષની મીરા મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટનાએ વિજય એન્ટનીના પરિવારને મોટો આઘાત આપ્યો હતો. દીકરીના નિધનના થોડા દિવસો બાદ વિજયે સોશિયલ મીડિયા પર એક ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેમાં તેમણે મીરાને પ્રેમાળ અને મજબૂત દીકરી ગણાવી હતી અને લખ્યું હતું કે તે ભલે હવે તેમની વચ્ચે નથી, પરંતુ તેની સાથેનો તેમનો સંબંધ આજે પણ જીવંત છે. દીકરીની યાદમાં તેઓ જે પણ સારાં કામ કરશે, તેની શરૂઆત મીરાના નામથી જ ગણાશે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.


